17 વર્ષે ભારત વિજેતા થતા દાહોદ ખાતે 17મી રથયાત્રામાં ચમકશે
પર્યાવરણની જાગૃતિ માટે 1200 રોપાનું વિતરણ કરાશે : કમલેશ રાઠી
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ દાહોદ શહેરમાં હિન્દુ સમાજમાં અનેરો ઉત્સાહ છે

દાહોદ શહેરમાં આગામી 7મી જુલાઈના રોજ ભગવાનશ્રી જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારે આ યાત્રામાં વિવિધ ઝાંખીઓ, અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

જેમાં 24થી વધુ ઝાંખીઓ, અખાડાઓ ભાગ લેશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ દાહોદ શહેરમાં હિન્દુ સમાજમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે ભગવાનશ્રી જગન્નાથજી રથયાત્રા સેવા સમિતિ,દાહોદ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

આ રથ યાત્રામા ટી-20 વર્લ્ડ કપની ઝાંખી આકર્ષણનુ કેન્દ્ર બનશે. જ્યારે પર્યાવરણની રક્ષાના સંદેશ સાથે 1200 છોડનું વિતરણ કરવામા આવશે. રથયાત્રામાં અખાડા, ઘોડે સવાર, લંબુ, ડી.જે. અખાડો, બેન્ડ, રંગોળી, આદિવાસી નૃત્ય, ચંદન તીલક, ઈસ્કોન મંડળ, દાન પાત્ર, કચ્છ ઘોડી, રાધા કૃષ્ણની ઝાંખી, મહાદેવ અઘોરી, હનુમાનજી અને વાનર, સીદી નૃત્ય, શ્રીરામ ભગવાનની ઝાંખી, ગરૂડ પર શ્રી વિશ્ણું ભગવાનની ઝાંખી, શહેનાઈ, મહિલા મંડળ, રથ, આભારવિધિ, પ્રસાદ, છોડ વિતરણ સહિત મોટા ટ્રેક્ટર 3 અને નાના ટ્રેક્ટર 2 જેવી ઝાંખીઓ, અખાડા સહિત સાધનો સાથે રથયાત્રા શહેરમાં નીકળશે. હાલમાં જ ભારત 17 વર્ષ પછી વર્લ્ડ કપમા વિશ્વ વિજેતા થતાં આખી ટીમ અને ટ્રોફી સાથેની ઝાંખી પણ રથયાત્રામાં જોડાશે. રથયાત્રા સમિતિના કન્વીનર કમલેશ રાઠીએ જણાવ્યુ હતું કે, આ વખતે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી છે. ત્યારે પર્યાવરણ બાબતે જનજાગૃતિના હેતુથી સમિતિ દ્વારા 1200 રોપાનું વિતરણ કરાશે. રથયાત્રા દાહોદ શહેરના શ્રી રણછોડરાયજી મંદિર સ્થિત હનુમાન બજાર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા દાહોદમાં નગરચર્યાએ નીકળશે. જેમાં વિવિધ રૂટો જેમાં સવારે 8.30 કલાકે મહાનુભાવો દ્વારા પહિંદવિધિ તથા મહા આરતી બાદ સવારે 9 કલાકે મહાનુભાવો દ્વારા રથનું પ્રસ્થાન કરાવાશે. ત્યાર બાદ સવારે 9.30 કલાકે હનુમાન બજારથી એ.પી.એમ.સી. પહોંચશે, સવારે 10.30 કલાકે સરદારચોક (પડાવ રોડ), સવારે 11 કલાકે પિપળીયા હનુમાનજી મંદિર (ગાંધીચોક) થઈ બપોરે બાદ દોલતગંજ બજારથી ગૌશાળા, રાધાકૃષ્ણ મંદિરે ભગવાનનો વિસામો, આરતી, મહાપ્રસાદી બાદ પુનઃ યાત્રાનો પ્રારંભ કરાશે ત્યારબાદ ગેટ નં.2 માર્કેટ યાર્ડ (મંડાવ રોડ સર્કલ), ગોવિંદનગર ચોક, ઠક્કર બાપા સર્કલ, માણેક ચોક, દેસાઈવાડ (જનતા ચોક), એમ.જી. રોડથી પાલિકા ચોક, હનુમાન બજાર થઈ સાંજે 6 કલાકે નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે. રથયાત્રા જ્યાં જ્યાંથી નીકળશે ત્યાં વિવિધ સમાજના લોકો દ્વારા ખાણીપીણીના સ્ટોલો સહિતના આયોજનો પણ કરાયાં છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *