Image: Freepik

જામનગર શહેર માં ૧ જુલાઈ ના દિવસે મેઘરાજાએ હેત વરસાવ્યું છે, અને આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, અને દોઢ ઇંચ પાણી પડી ગયું છે. તેમજ મેઘ સવારી અવિરત ચાલુ રહી છે. ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ- ધ્રોળ- જોડીયા- લાલપુર અને જામજોધપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે, અને એકથી ચાર ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં ગઈકાલે તો ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે નાના-મોટા ચેક ડેમ તળાવમાં પાણીની આવક શરૂ થઈ છે.

જામનગર શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા પછી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને સવારે ૮.૦૦ વાગ્યા થી ૧૦.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ૩૨ મીમી. વરસાદ નોંધાયો હતો, અને મેઘ સવારી અવિરત ચાલુ રહી છે. શહેરમાં પ્રથમ વખત મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાથી કેટલાક નગરજનો નાહવા માટે પણ નીકળી પડ્યા હતા મહાનગરપાલિકાના તંત્રની પોલ પ્રથમ વરસાદે જ ખુલી ગઈ હતી, અને શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા ની ફરિયાદો ઉઠાવા પામી હતી .

જામનગર શહેર બાદ કાલાવડમાં આજે ધીંગી મેઘ સવારી જોવા મળી હતી, અને દસ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જ્યારે લાલપુરમાં બે કલાકના સમયગાળા દરમિયાન ૩૬મી.મી. જ્યારે જામજોધપુરમાં  ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરમાં ૩૨ મી.મી, જોડીયામાં ૩૩ મી.મી., ધ્રોળડમાં ૫૪ મીમી, કાલાવડમાં ૮૪  મી.મી., લાલપુરમાં ૪૨ મી.મી.જ્યારે જામજોધપુરમાં ૫૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં ગઈકાલે ધીંગી મેગ સવારી થઈ હતી, અને પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર શેઠ વડાળામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે, જયારે સમાણા ગામમાં પણ ૧૧૭ મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે. આ ઉપરાંત વાંસજાળીયામાં ૮૦ મી.મી., જામવાડી માં ૬૨ મી.મી., અને પરડવામાં ૮૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામમાં ૬૫ મિમી., નવા ગામમાં ૭૫ મી.મી. મોટા પાંચ દેવડામાં ૫૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં ૩૦-મી.મી, જોડીયા ના બાલંભામાં ૪૨ મી.મી. પીઠળ ગામમાં ૪૦ મી.મી., લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં ૩૫ મી.મી. મોટા ખડબા ગામમાં ૨૦ મી.મી. જ્યારે મોડપર ગામમાં ૨૩મી.મી. વરસાદ નોંધાયો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *