– ઇઝરાયલ ઉપરના તમારા હુમલા મધ્ય પૂર્વમાં વ્યાપક યુદ્ધ પ્રસારશે : ઇરાનનાં પાલતુ હિઝબુલ્લાહ હૂથીને લીધે ગાઝામાં યુદ્ધ વિરામ નથી થતો
વૉશિંગ્ટન : અમેરિકા, યુરોપ અને આરબ દેશોના મધ્યસ્થીઓએ ઇરાનનાં પીઠબળવામાં હિઝબુલ્લાહ ઉગ્રપંથીઓને ઇઝરાયલ ઉપર હુમલા ન કરવા ચેતવણી આપી છે. કારણ કે તે હુમલાથી ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે ચાલતું યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાવાની ભીતિ છે. તેટલું જ નહીં પરંતુ તેને લીધે ગાઝામાં ચાલી રહેલાં ઇઝરાયલ હમાસ યુદ્ધમાં યુદ્ધ વિરામ થવાની પણ સંભાવના દૂરને દૂર ઠેલાતી જાય છે.
આ સામે ઉલ્લેખનીય તે છે કે હીઝબુલ્લાહ હમાસ કરતાં વધુ શસ્ત્ર સજ્જ છે, વધુ માનવબળ ધરાવે છે. તેથી વધુ બળવાન પણ છે. તેને ઇરાનનો સીધો ટેકો છે.
આ અંગે પૂર્વ અને વર્તમાન રાજદ્વારીઓ તેમ કહે છે કે હીઝબુલ્લાહ હમાસ કરતાં વધુ બળવાન જરૂર છે, પરંતુ તેઓ ઇઝરાયલને પરાસ્ત કરી શકશે તેમ માનતા હોય તો તેમાં તેમની ભૂલ છે. તેમની તે માન્યતા જ તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ દર્શાવે છે.
આ સાથે તે રાજદ્વારીઓ તેવી પણ ચેતવણી આપે છે કે ઇઝરાયલને ઉત્તરનો મોરચો ખોલવા માટે અમેરિકા કે યુરોપ રોકી શકશે તેમ માનવું પણ વાહીયાત છે. ઇઝરાયલ પૂરી તાકાતથી ઉત્તરનો મોરચો ખોલી જ શકશે.
અત્યારે જ, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સામસામા મિસાઇલ હુમલા થઇ રહ્યા છે. હિઝબુલ્લાહ પ્રચંડ હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તે જાણી અમેરિકાએ એમ્ફીલીયન એસોલ્ટ શિપ તથા મરીન અગ્રીમ દળ પણ ભૂમધ્ય સમુદ્રનાં પૂર્વ તટે મોકલી દીધાં છે. તે સાથે અન્ય યુદ્ધ જહાજો પણ રવાના કર્યાં છે. પરિણામે, યુદ્ધ વ્યાપક બનવાની આશંકા ઉપસ્થિત થઇ છે.
બીજી તરફ ઇઝરાયલે ઉત્તરમાંથી આવનારા સંભવિત હુમલા સામે તૈયારી કરી લીધી છે. આ સાથે અમેરિકાએ હિઝબુલ્લાહને ચેતવણી આપતાં કહ્યું છે કે તમે તમને માનો છો તેટલા બળવાન નથી જ.
ટૂંકમાં વાત સીધી સાદી છે. ગાઝા પટ્ટી લગભગ ઇઝરાયલના હાથમાં છે. જે સિનાઇ દ્વિપકલ્પમાં જવા માટેનું પશ્ચિમનું ફૂટ બોર્ડ છે. હવે તેમની નજર મધ્ય પૂર્વ પર છે. ત્યાંથી તેઓ પશ્ચિમે પૂર્વ ભૂમધ્ય, ઉત્તરે તૂર્કી, પૂર્વે ઇરાન, ઉત્તર પૂર્વે, દ. રશિયા અને દક્ષિણે અરબસ્તાન તથા યુએઇ સુધી સીધી નજર રાખી શકે તેમ છે. પશ્ચિમ કોઈપણ ભોગે મધ્ય પૂર્વમાં તેની પાલતુ સરકાર સ્થાપવા માગે છે તે નિશ્ચિત બની રહ્યું છે.