– પેનકિલી નામની ફિલ્મના શૂટિંગનો વિવાદ

– ઈમરજન્સી વોર્ડમાં લાઈટો ડિમ કરી દેવાઈ, દર્દીઓ તથા ડોક્ટરોને ભારે હાલાકી

મુંબઈ : ‘પુષ્પા’ ફિલ્મના વિલન તરીકે જાણીતા થયેલા કલાકાર ફહાદ ફાસિલની ફિલ્મ ‘પેનકિલી’નું એક હોસ્પિટલમાં શૂટિંગ કરવામાં આવતાં ભારે વિવાદ થયો છે. કેરળના માનવ અધિકાર પંચે આ અંગેની  ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી છે. 

ફહાદ ફાસિલ પોતે આ ફિલ્મનો પ્રોડયૂસર પણ છે.  ફિલ્મના  શૂટિંગ માટે  હોસ્પિટલનો સેટ લગાવવાને બદલે એક અસલી હોસ્પિટલમાં જ શૂટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગમાલી તાલુકાની સરકારી હોસ્પિટલમાં કલાકારો સહિત યુનિટનો સમગ્ર કાફલો પહોંચી ગયો હતો. ઈમરજન્સી વોર્ડમાં એક તરફ ડોક્ટરો દર્દીની સારવાર કરી રહ્યા હતા ત્યારે જ ત્યાં શૂટિંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. શૂટિંગમાં ખલેલ ન પડે તે માટે વોર્ડની તમામ લાઈટ્સ ડીમ કરી દેવામાં આવી હતી. કેમેરા ટ્રોલીની ઘરઘરાટી તથા અન્ય હિલચાલને કારણે દર્દીઓ તથા ડોક્ટરોને ભારે તકલીફ પડી હતી. ઈમરજન્સી વોર્ડમાં પણ કેટલાક લોકોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી હતી. 

આ મુદ્દે ભારે વિવાદ થતાં માનવ અધિકાર પંચે તપાસ ચાલુ કરી છે અને હોસ્પિટલના સત્તાધીશો સહિત સંબંધિતોને નોટિસ ફટકારી છે. ફિલ્મની ટીમે દાવો કર્યો છે કે  શૂટિંગ માટે તમામ જરુરી  મંજૂરી લેવામાં આવી હતી અને દર્દીઓને અગવડ ન પડે તેનો સંપૂર્ણ ખ્યાલ રખાયો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *