પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની સૂચના : હાલ ઓફ સીઝનમાં 5 મત્સ્ય ઉતરાણ કેન્દ્ર પર 4800 હોડી- બોટ બાંધવામાં આવી છેઃ દરેકમાં અગ્નિશામક ફરજિયાત રાખવા તાકીદ
પોરબંદર, : પોરબંદરના સામાકાંઠે સુભાષનગર પાસે આવેલા ફિશરીઝ ટમનલ વિસ્તાર અને જૂનાં બંદર વિસ્તારમાં હાલમાં માછીમારીની ઓફ સિઝનમાં હજારો ફિશિંગ બોટો બાંધવામાં આવી છે ત્યારે તંત્ર અહીં ફાયર સ્ટેશનની સુવિધા એ ઉપલબ્ધ કરાવે એવી માછીમારોની વર્ષો જૂની માગણી પૂરી કરવાના બદલે હવે અચાનક મત્સ્યોદ્યોગ વિભાગે પરિપત્ર બહાર પાડીને દરેક બોટ માલિકોને તેમની બોટમાં ફાયર સેફ્ટી માટે અગ્નિશામક ફરજિયાત ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.
હાલ માછીમારીની સીઝન બંધ હોઈ પોરબંદર જિલ્લામાં રજિસ્ટ્રર થયેલ આશરે 2564 બોટ અને 2258 હોડીઓ મળી કુલ 4922 માછીમારી બોટો જિલ્લાના કુલ 5 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પર લાંગરેલ છે. પોરબંદરના જુનાબંદર, ફિશરિઝ ટમનલ, માધવપુર, મિયાણી તથા નવી બંદરના તમામ હોડી તથા બોટધારક માછીમારોને પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જાણ કરવામાં આવી છે કે, આ બોટો-હોડીઓ એકબીજાથી ખુબ જ ઓછા અંતરે લાંગરેલી હોવાથી તથા અમુક બોટોમાં ડીઝલ પણ ભરેલું હોવાથી, સામાન્ય આગ લાગવાની ઘટના ખૂબ મોટી ઘટનામાં પરિણમે તેવી પુરેપુરી શક્યતાઓ છે. મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ પ્રકરણ-૩, નિયમ- ૮ (ગ) (૩) (ગ) મુજબ માછીમારી માટે જતી દરેક બોટમાં ફાયરસેફટી માટે અગ્નિશામક ફરજિયાત છે. કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, હોમ શાખાના પત્રથી પણ આ બાબતે સૂચના મળેલી છે. આથી પોરબંદર ખાતે ભવિષ્યમાં આ પ્રકારના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તમામ હોડી તથા બોટ ધારક માછીમારોને પોતાની માછીમારી બોટમાં અગ્નિશામક ફરજિયાતપણે રાખવા જણાવવામાં આવ્યું છે. પોરબંદર જીલ્લાની મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓએ આ બાબતે માછીમારોમાં વધુને વધુ પ્રચાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
મહત્વની બાબત એ છે કે,પોરબંદરની આ ફિશિંગ બોટો જ્યાં બાંધવામાં આવે છે ત્યાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા નહી હોવાથી ફાયર સ્ટેશન શરૂ કરવા માટે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી છે તેમ છતાં જવાબદાર તંત્રએ આ બાબતે નકકર કાર્યવાહી કરી નથી. ભૂતકાળમાં ફિશિંગ બોટોથી માંડીને વહાણોમાં આગ લાગવાના બનાવો બની ચુક્યા છે. પોરબંદરના સુભાષનગરથી ફાયરબ્રિગેડ સ્ટેશન પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે અને ફાયર ફાઈટર ત્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં આગ લાગી હોય તો ખુબ મોડું થઈ ચુક્યું હોય છે. ભુતકાળમાં તે રીતે અનેક બોટ અને વહાણ પણ રાખ થઈ ચુક્યા છે તેથી તંત્ર દ્વારા આ વિસ્તારમાં ફાયર સ્ટેશન શરૂ કરાવવું જોઈએ, પણ તેને બદલે હવે બોટમાલિકોને અને પીલાણા માલિકોને સુચના આપી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે.