પખવાડિયાંથી હત્યાઓનો સિલસિલો યથાવત શનિવારે લાપત્તા બન્યા બાદ રવિવારે હત્યા કરાયેલી લાશ મળી આવી, ભેદ ઉકેલવા પોલીસની દોડધામ
રાજકોટ, : રાજકોટમાં હત્યાના બનાવોનો સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે હત્યાની વધુ એક ઘટના જાહેર થઈ છે. રૈયાધારમાં મચ્છુનગર ટાઉનશિપ પાસે મફતિયાપરામાં રહેતાં અને ભંગારની ફેરી કરતાં વિનોજ દિનેશ વઢીયારા (ઉ.વ. 22)ની આજે સાંજે ડ્રીમસિટીના ખુલ્લા પ્લોટમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ગાંધીગ્રામ-2 પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુકાવ્યું છે. જોકે મોડી સાંજ સુધી હત્યાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય તેવી કોઈ માહિતી પોલીસને મળી નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે વિનોજ ગઈકાલે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી ભંગારની ફેરી માટે નીકળ્યો હતો. બપોરે ત્રણેક વાગે તેની માતા હિરાબેન સાથે મોબાઈલ પર વાતચીત થઈ હતી. આ પછી તેનો કોઈ સંપર્ક થયો ન હતો. મોડી રાત સુધી ઘરે નહીં આવતાં પરિવારજનો શોધખોળમાં લાગી ગયા હતા. પરંતુ આખી રાત કોઈ પત્તો મળ્યો ન હતો.
આખરે સવારે પરિવારજનોએ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ગુમ થયાની જાહેરાત કરી હતી. પરિવારજનો સાથે પોલીસ પણ શોધખોળમાં લાગેલી હતી. તેવામાં સાંજે ડ્રિમસિટીના ખુલ્લા પ્લોટમાં અવાવરૂ જગ્યાએથી વિનોજની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
જાણ થતાં ગાંધીગ્રામ-2 પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમો, એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વિનોજની સંભવતઃ મોઢા અને માથાના ભાગે પત્થરના ઘા ઝીંકી હત્યા કરાયાના તારણ પર પોલીસ પહોંચી છે. સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડી હતી.
હત્યાનો ભોગ બનનાર વિનોજ બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો હતો. સંતાનમાં 3 વર્ષની પુત્રી છે. સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી પોલીસે ભેદ ઉકેલવા માટે દોડધામ યથાવત રાખી છે. રાત્રે ગાંધીગ્રામ-2 પોલીસે વીધિવત ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી હતી.