ચોમાસાંને અનુલક્ષીને વન તંત્ર સજ્જ, રાની પશુઓ માટે ખાસ પોટ્રોલિંગ : ગીરમાં ભારે વરસાદ સમયે વરસાદી આંકડા પર સતત વોચ રખાશે, પૂરની સ્થિતિનો તુરંત તાગ મેળવવા ટીમ તૈયાર
જૂનાગઢ, : ચોમાસાની સિઝન શરૂ થતા સિંહ સહિતના વન્યપ્રાણીઓની રખેવાળી કરવાની જવાબદારી વધી જાય છે. ચોમાસામાં વન્યપ્રાણીઓને ઈજા થાય ત્યારે જીવાતો પડવાની શક્યતાઓ વધુ હોવાથી વન વિભાગે ખાસ પેટ્રોલિંગ કરવું પડે છે. આ ઉપરાંત ભારે વરસાદમાં સતત વરસાદી આંકડાઓ પર નજર રાખી જ્યાં પાણી વધુ પડયું હોય ત્યાં અને જે વિસ્તારમાં પાણીનો નિકાલ થતો હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખવામાં આવે છે. આ તમામ તૈયારીઓ માટે વન વિભાગે ટીમ બનાવી કામગીરી શરૂ કરી દીધી છે.
વરસાદી સિઝનમાં વનતંત્ર દ્વારા સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓ માટે સ્પેશ્યલ પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે સિંહોના તમામ ગુ્રપ પર વનતંત્ર દ્વારા ખાસ વોચ રાખવામાં આવે છે. કેમ કે, આ સિઝનમાં મચ્છર-માખીઓનો ઉપદ્રવ ખુબ વધી જાય છે. જેના કારણે વન્યપ્રાણીને ક્યાંય પણ નાના-મોટી ઈજા થાય તો તુરંત જ જીવાત પડી જાય છે. આવા સંજોગોમાં જો ધ્યાન પર ન આવે તો તેનું મોત થવાની શક્યતાઓ હોય છે. મોટાભાગે વન્યપ્રાણીઓની જીભ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીના ભાગમાં ઈજા થાય તો તે મટી જાય છે પરંતુ જીભ ન પહોંચે તેવી જગ્યાએ ઈજા થાય તો જોખમી બને છે. જેના લીધે ટ્રેકરો સહિતનો વન વિભાગનો સ્ટાફ સિંહોની મુવમેન્ટ પર ખાસ નજર રાખે છે. જો કોઈ વન્યપ્રાણીને ઈજા થઈ હોય તો ટ્રેકર દ્વારા તુરંત વેટરનરી તબીબને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ વેટરનરી તબીબ સ્થળ પર જઈ ઈજા જોઈ જરૂર પડે તો રિંગ પાંજરૂ ગોઠવી તેમાં સારવાર કરે છે અને વધુ જરૂર લાગે તો વન્યપ્રાણીને હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર આપે છે.
ગીરમાં દર વર્ષે વધુ વરસાદ પડે છે જેના કારણે જ્યારે ભારે વરસાદ પડવાનું શરૂ થાય તેવું તુરંત જ તમામ વનકર્મીઓને એલર્ટ આપી દેવામાં આવે છે. તમામ વોકીટોકી અને વાયરલેસ સેટ પર સતત વરસાદી આંકડાઓની આપ-લે કરવામાં આવે છે. જેના લીધે ક્યા વિસ્તારમાં શું સ્થિતિ છે તે અંગે તમામ અધિકારી અને કર્મીઓ માહિતગાર રહે છે. સિંહ સહિતના વન્યપ્રાણીઓને પણ ખુબ જ સમજણ હોય છે. વધારે વરસાદના સમયે તેઓ પર્વતીય અથવા ઉંચાણવાળા વિસ્તારમાં ચાલ્યા જાય છે. છતાં પણ વરસાદ અલગ વિસ્તારમાં વરસ્યો હોય અને તેના પાણી અલગ વિસ્તારમાં જતા હોય છે. આવા સમયે નદી-નાળા, ચેકડેમ સહિતના વિસ્તારમાં વરસાદ બાદ કોઈ વન્યપ્રાણી તણાયા નથીને તેની પણ ખાસ તપાસ કરવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં જંગલના રસ્તાઓ પર ચાલીને કે વાહન લઈને જવું પણ એક પડકાર હોય છે. આવા સમયે વનકર્મીઓને મોટાભાગે ફુટ પેટ્રોલિંગ કરવું પડે છે.
હાલમાં સાસણ જંગલ સફારી બંધ હોય છે જેના કારણે સાસણના મોટાભાગના ટ્રેકરોને જરૂર પડે તો અન્યત્ર વિસ્તારોમાં વન્યપ્રાણીઓના રેસ્ક્યુ સહિતની કોઈપણ પ્રકારની કામગીરી માટે સજ્જ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વેટરનરી તબીબ, લાયન એમ્બ્યુલન્સ અને હોસ્પિટલોને પણ સજ્જ કરવામાં આવી છે.