માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના પૂર્વ કર્મચારીનું કારસ્તાન, જેના ખાતામાં ચેક વટાવાયો તેનું નામ પણ આરોપી તરીકે
રાજકોટ, : રૈયા રોડ પરના પેસીફીક હાઈટસ એપાર્ટમેન્ટમાં રહેતા અને 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની સામે મીરેકલ ડોકટર હાઉસમાં આરોગ્યમ્ હોસ્પિટલ ધરાવતાં ડો.વિવેક બીપીનભાઈ ખખ્ખર (ઉ.વ. 41)એ તેની હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાં અગાઉ નોકરી કરતાં આરોપી હાર્દિક અનિલ ભડાણીયા (રહે. સપ્તક એપાર્ટમેન્ટ, મોટા મવા)એ તેની સહી વાળા ચેકમાં રૂા. 6.40 લાખની રકમ ભરી બીજા આરોપી જયેશસિંહ બનેસિંહ વાઘેલાના ખાતામાં વટાવી લીધાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ડો.ખખ્ખરે જણાવ્યું છે કે તેની હોસ્પિટલમાં ડો.દેવાંગ માંડલીયા અને ડો.વિજય સરધારા પાર્ટનર છે. હોસ્પિટલમાં જ આરોગ્યમ્ નામનો મેડીકલ સ્ટોર છે. જૂલાઈ- 2021 ની સાલમાં તેણે હોસ્પિટલ અને સાથે મેડીકલ સ્ટોર શરૂ કર્યો હતો. મેડીકલ સ્ટોરમાં માણસોની જરૂરિયાત હતી ત્યારે જ સ્પાઈન સર્જન ડો.ડેનીશ માકડીયા કે જે તેના મિત્ર છે, તેણે કહ્યું કે તેના મામાનો દિકરો હાર્દીક બી-ફાર્માનું ભણેલો છે, જેથી તેને નોકરીમાં રાખવાનું કહેતા તેમ કર્યું હતું.
તે વખતથી હાર્દીકે મેડીકલનું સંચાલન શરૂ કરી દીધું હતું. તે સારી અને વ્યવસ્થિત રીતે સંચાલન કરતો હતો. રેગ્યુલર હિસાબ પણ આપી દેતો હતો. એટલું જ નહીં તેની પાસે પેમેન્ટ માટે કોરા ચેકમાં જ સહી પણ લઈ જતો હતો. જોકે બાદમાં હાર્દિકનું કામ બગડી જતાં અને હિસાબમાં ગોટાળા કરવા લાગતા ગત જાન્યુઆરી માસમાં તેને નોકરીમાંથી છુટો કરી દીધો હતો.
આ દરમિયાન થોડા દિવસો પહેલાં તેના મોબાઈલમાં ટેકસ્ટ મેસેજ મળ્યો હતો. જેમાં તેના મેડીકલ સ્ટોરના બેન્ક ખાતામાંથી રૂા.6.40 લાખ જયેશસિંહ વાઘેલાના ખાતામાં ટ્રાન્સફર થયાનું જણાવાયું હતું. જેથી હાલમાં મેડીકલ સ્ટોર સંભાળતા માણસોને પૂછતાં તેમણે કોઈ ટ્રાન્ઝેકશન કર્યાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર પછી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે ચેક મારફત ટ્રાન્ઝેકશન થયું હતું તે ચેક તેણે 2023 ની સાલમાં હાર્દિકને સહી કરી આપ્યો હતો. હાર્દિકે તારીખ અને રકમ વગરના આ ચેકમાં રકમ ભરી જયેશસિંહના ખાતામાં વટાવી લીધો હતો. જેથી બંને આરોપીઓ અને તપાસમાં ખુલે તેની સામે આજે ફરિયાદ નોંધાવી હતી.