11 ઘરફોડ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો
માતવા ગેંગના મોસ્ટ વોન્ટેડ ઘરફોડ ચોરીના આરોપી રાજેશને લોકલ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપ્યો
દાહોદ, ગાંધીનગર, વડોદરામાં પણ કરી ચૂક્યો છે ચોરી
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે 11 ઘરફોડ ચોરીના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપ્યો છે. દાહોદ જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લામાં બંધ મકાનોની રેકી કરી ઘરફોડને અંજામ આપી પરત વતનમાં આવી નજીક આવેલા મધ્યપ્રદેશમાં સંતાઈ જતા, જેના પગલે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બાતમી મળી હતી કે માતવા ગેંગનો મોસ્ટ વોન્ટેડ ઘરફોડ ચોરીનો આરોપી રાજેશ ઉર્ફે રાજી લાલાભાઈ ભાભોર, જે માતવા મખોડીયા ફળીયુ રામપુરા નાળા નજીક રહે છે, જેના પગલે LCBએ અલગ અલગ ટીમો બનાવી વોચ ગોઠવી હતી અને આરોપી રાજેશ પોલીસને જોઈ જતા ભાગવા લાગ્યો જેના પગલે પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો હતો.
અગાઉ રાજ્યના ઘણા જિલ્લામાં કરી ચૂક્યો છે ચોરી
આરોપી રાજેશ ઉર્ફે રાજી ભાભોર છેલ્લા ઘણા સમયથી દાહોદમાં 2, ગાંધીનગરના ડભોડામાં 1,પંચમહાલના હાલોલમાં 3,બાપોદમાં 1,વડોદરાના છાણીમાં 1 અને જેપી રોડ ખાતે 3 ઘરફોડ ચોરીને અંજામ આપી નાસ્તો ફરતો હતો. ત્યારે આ 11 ગુનાના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી, જ્યારે આરોપી ચોરી કરેલા દાગીના કયા વેચતો હતો, તે અંગે પણ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આરોપી ચીલાકોટા ગામના ભરત મોતીલાલ પંચાલને આપતો હોવાનું સામે આવ્યુ, ત્યારબાદ પોલીસે ભરત પંચાલને ઝડપી પાડી કુલ 2,44,400ના મુદ્દામાલ સહિત સોનાની રણી કબજે લીધી હતી.
આરોપીનો ઈતિહાસ
આરોપી રાજેશ અને ચોરીના દાગીના રાખનાર ભરત પંચાલ બંને ઇસમો અગાઉ દાહોદ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, જુનાગઢ, ગાંધીનગર, દેવભુમી દ્વારકા, બોટાદ, જામનગર સહિત કુલ 15 ગુનામાં પકડાયેલા હતા, આમ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરી અને ચોરીનો મુદ્દામાલ રાખનાર ઈસમને ઝડપી પાડી હજુ વધુ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.