Pakistan Government Launch Military Operation: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દેશમાં વધી રહેલા બળવાખોરી અને આતંકવાદને ખતમ કરવા માટે સૈન્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં નેશનલ એક્શન પ્લાન કમિટીએ ‘ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકામ’ને મંજૂરી આપી દીધી છે. જેનો હેતુ પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને ખતમ કરવાનો છે. જો કે, ચીનની ધમકી બાદ પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે.
આ ઓપરેશન પીઓકેથી બલોચિસ્તાન સહિત પાકિસ્તાનના તમામ રાજ્યોમાં ચલાવવામાં આવશે. જો કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સહિત અન્ય વિપક્ષી દળોએ ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકામનો જોરદાર વિરોધ કર્યો છે. તેઓનું કહેવું છે કે,’આ ઓપરેશન માટે સંસદમાંથી કોઈ સલાહ લેવામાં આવી નથી.’
શું છે ઓપરેશન આઝમ-એ-ઈસ્તેહકામ?
અહેવાલો અનુસાર, ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકામનો ઉદ્દેશ્ય પોકિસ્તાનમાં વધી રહેલા ઉગ્રવાદ અને આતંકવાદને ખતમ કરવાનો છે. પાક. સેનાનું આ ઓપરેશન તમામ કાયદાકીય એજન્સીઓ સાથે આગળ વધશે. જેમાં આતંકવાદ સંબંધિત મામલાઓમાં અવરોધરૂપ કાયદાકીય ખામીઓને દૂર કરવા માટે કાયદો બનાવવામાં આવશે. આતંકવાદ સામેની આ લડાઈ પાકિસ્તાનની પોતાની લડાઈ છે.જેમાં પાકિસ્તાનમાંથી કોઈને પણ રાજ્યની સત્તાને પડકારવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ચીનના કારણે લેવાયો નિર્ણય
પાકિસ્તાનમાં ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ CPACને આતંકીઓ સતત નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં બે આતંકી હુમલા થયા હતા. આ હુમલાને અંજામ આપવાની કામગીરી બલોચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠને ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરીને અને ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લામાં ચીની એન્જિનિયરોના કાફલાને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરીને પાંચ ચીની એન્જિનિયરોને મારી નાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના મંત્રી લિયુ જિયાનચાઓએ ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી હતી. ત્યારબાદ ચીની રાજનેતાએ પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. હવે પાકિસ્તાન સરકારે આતંકવાદ વિરુદ્ધ અભિયાન ચલાવવાની મંજૂરી આપી હતી.