– ઇંગ્લેન્ડના 13 વર્ષના બાળક પર આઠ કલાક સુધી સર્જરી કરાઇ
– ન્યૂરોસ્ટીમ્યુલેટર ફીટ કર્યા પછી વાઇના હુમલાઓમાં 80 ટકા સુધીનો ઘટાડો થયો : વાઇના દર્દીઓ માટે નવી આશા જાગી
લંડન : વાઇની બિમારી સમગ્ર વિશ્વમાં એક મોટી સમસ્યા છે. આ એક મગજની બિમારી છે જે મગજના કાર્યમાં ગડબડ ઉભી થવાને કારણે થાય છે. જેને વાઇના વધારે હુમલા આવે છે તેમને દવા પર નિર્ભર રહેવુ પડે છે.
આવા દર્દીઓ માટે બ્રિટનમાં આશા જાગી છે. વિશ્વમાં પ્રથમ વખત વાઇના દર્દીની ખોપરીમાં ડિવાઇસ લગાવવામાં આવ્યું છે. આ ડિવાઇસની મદદથી વાઇના હુમલાઓનું પ્રમાણ ઘટાડી શકાશે.
બ્રિટનના ૧૩ વર્ષના ઓરાન નોલ્સન પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. તેની ખોપરીમાં ન્યૂરોસ્ટીમ્યુલેટર ફીટ કરવામાં આવ્યું છે. નોલ્સનને વાઇના ગંભીર હુમલા આવતા હતાં.
નોલ્સન આ પ્રકારના પરીક્ષણનો હિસ્સો બનનાર વિશ્વનો પ્રથમ દર્દી બની ગયો છે. ઓક્ટોબર, ૨૦૨૩માં આઠ કલાક સુધી તેની સર્જરી ચાલી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી તેના જીવનમાં ઘણા સારા પરિવર્તન જોવા મળ્યા છે.
હવે તે પોતાની પસંદની દરેક વસ્તુ જેવી કે ટીવી જોવું, ઘોડેસવારી કરવામાં સક્ષમ બની ગયો છે. આ સર્જરી યુનિવર્સિટી કોલેજ લંડન, કિંગ્સ કોલેજ હોસ્પિટલ અને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડે સંયુક્ત રીતે કરી હતી.
કન્સલટન્ટ પિડિયાટ્રીક ન્યૂરોસર્જન માર્ટિન ટિસડેલે જણાવ્યું હતું કે આ સર્જરીથી ઓરન અને તેના પરિવારને થયેલા મોટા લાભથી અમે ખૂબ જ ખુશ છીએ. આ સર્જરી પછી તેના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે.