BJP Leader Accused To MP Rajesh Chudasma: જુનાગઢ બેઠકથી સતત ત્રીજી વખત જીતેલા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ એક કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને જ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, ‘આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે એમને હું મૂકવાનો નથી, પક્ષ તેમની સામે કાર્યવાહી કરે ન કરે પરંતુ હું કોઈને છોડવાનો નથી.’ આ ધમકી બાદ વેરાવળ ભાજપના નેતા રાકેશ દેવાણીએ પોતાની પર હુમલો થઇ શકે છે તેવો દાવો કરતી અરજી જિલ્લા પોલીસ વડા સમક્ષ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે’
ભાજપ નેતા રાકેશ દેવાણીનો વીડિયો વાયરલ
વેરાવળના ભાજપ નેતા રાકેશ દેવાણીનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જણાવી રહ્યા છે કે, ‘અમારા વિસ્તારના સેવાભાવી ડો. અતુલ ચગે આત્મહત્યા કરી હતી. તેમણે સ્યુસાઇડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. તે વખતે મે પોલીસને કહ્યું હતું કે જે જવાબદાર હોય તેમને છોડવા ના જોઈએ. ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઇ હતી. પરંતુ આ કેસમાં રાજેશ ચુડાસમાની કોઇ ધરપકડ થઇ નથી. ચૂંટણી સમયે તથાકથિત સમાધાનની વાતો આવી હતી. આ કેસમાં કોર્ટે ક્લીન ચીટ આપી નથી.’
ભાજપ નેતા રાકેશ દેવાણીએ જણાવ્યું હતું કે, ‘રાજેશ ચુડાસમા માંડ માંડ જીત્યા છે. હમણાં પ્રાચીમાં જે આભાર સમારોહમાં સાંસદે ધમકી આપી હતી કે જે મને નડ્યા તેમને મુકવાનો નથી. મે તેમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો કે તેમને મત રૂપી દાન ના આપતા. તેમની ગર્ભીત ધમકી બાદ મને ડર લાગે છે. મેં પોલીસ અધિકારીઓ અને મુખ્યમંત્રી ઉદ્દેશીને અરજી કરી છે. જો મને કે મારા પરિવારને કંઈ થયું તો તે માટે રાજેશ ચુડાસમા જવાબદાર રહેશે.’
કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વેરાવળના ચર્ચાસ્પદ ડૉ. અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઉછળતા જૂનાગઢ બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જુનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા હતા.