ઉપલેટાથી 20 KM દૂર આવેલા ખીરસરા (ઘેટીયા)નાં ગુરૂકુળમાં : મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપાયેલો આરોપી રિમાન્ડ પર : સ્વામીના કહેવાથી ગર્ભપાતની દવા આપ્યાની કબૂલાત
રાજકોટ: ઉપલેટાથી 20 KM દૂર આવેલા ખીરસરા (ઘેટીયા) ગામે આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસએ રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ હતી. ભોગ બનનાર યુવતીને દવા પીવડાવી ગર્ભપાત કરાવાયાનો પણ આરોપ ફરિયાદમાં મૂકાયો હતો. આ આરોપ જેની ઉપર મૂકાયો હતો તે આરોપી મયુર ઉકાભાઇ કાસોદરીયાને રાજકોટ રૂરલ એલસીબીએ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપી લઇ તેને બે દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.
ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સામાં મુખ્ય આરોપી તરીકે ધર્મસ્વરૂપદાસનું નામ હતું. તેને મદદગારી કરનાર તરીકે નારાયણસ્વરૂપદાસ સ્વામીનું જ્યારે યુવતીને ગર્ભપાતની દવા આપવા અંગે ગુરૂકુળની ગર્લ્સ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયાનું નામ અપાયું હતું. જો કે ફરિયાદ નોંધાતા જ આ ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા.
જેમાંથી મયુર કાસોદરીયા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હોવાની ચોક્કસ બાતમી મળતાં એલસીબીએ તેને ઝડપી તપાસનીશ મહિલા પીઆઈને સોંપી દીધો હતો. જેણે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી છે.
તપાસનીશ પીઆઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે આરોપી મયુરે સ્વામી ધર્મસ્વરૂપદાસના કહેવાથી ભોગ બનનાર યુવતીને ગર્ભપાતની દવા આપ્યાનું સ્વીકારી લીધું છે. આરોપી છેલ્લા 12 વર્ષથી પત્ની સાથે ગુરૂકુળની હોસ્ટેલમાં જ રહે છે. જો કે બીજી તરફ ધર્મસ્વરૂપદાસ સ્વામી અને નારાયણસ્વરૂપદાસ સ્વામી હજુ પણ ફરાર હોવાથી આ બંનેને ઝડપી લેવા માટે ભાયાવદર પોલીસ ઉપરાંત એલસીબીની ટીમો કામે લગાડાઇ છે.
આ ઘટનાને અઠવાડિયા જેવો સમય વિતી જવા છતાં આ બંને આરોપીઓ હજુ સુધી નહીં ઝડપાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. આ ચોંકાવનારી ઘટનાને પગલે ખીરસરા (ઘેટીયા)ના ગુરૂકુળમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ સર્ટિફિકેટ કઢાવીને પોતાના સંતાનોને લઇ જતાં ગુરૂકુળ ખાલી થઇ ગયું છે. વાલીઓને સર્ટિફિકેટ તો આપી દેવાય છે પરંતુ હજુ સુધી ફી પરત નહીં અપાયાની પણ ફરિયાદો ઉઠી છે.