જૂનાગઢ જૂનાં મંદિર ખાતે હરિભક્તો એકઠા થયા  :  દુષ્કર્મના ગુના, જમીનના ધંધા, સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય, ખાનગી ગુરૂકુલો ચલાવી સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મને લાંછન લગાડનાર સામે રોષ

જૂનાગઢ: સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામિઓ દ્વારા ધર્મને લાંછન લાગે તેવા કૃત્યો કરવામાં આવતા સંપ્રદાયની છબી ખરડાઈ રહી છે. તેના વિરોધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો મેદાનમાં આવ્યા છે. આજે જૂનાગઢ જૂના મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હરિભક્તોએ વિરોધ કરી મંદિરના કોઠારી અને જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓની માંગણી છે કે, આવા લંપટ અને ધંધાર્થી સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે, આવી પ્રવૃત્તિથી ધર્મ બદનામ થઈ રહ્યો છે.

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ વિવાદમાં આવ્યા છે. જેમાં દુષ્કર્મના ગુનામાં, જમીનના ધંધામાં, સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય કરવામાં, ખાનગી ગુરૂકુલો ચલાવી ધંધા કરવામાં આવી રહ્યા છે. આવી પ્રવૃતિથી સમગ્ર સંપ્રદાય અને સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે. તેની સામે લડવા માટે હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત હિત રક્ષક સમિતી બનાવી છે. આ સમિતી દ્વારા આવા કૃત્યો કરતા સ્વામિઓ સામે બંડ પોકારવામાં આવ્યો છે.

સ્વામિનારાયણના સાધુએ ભાગવતી દિક્ષા અંગીકાર કરેલ, સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલા સિધ્ધાંતો મુજબ વર્તન કરતા નથી, સાધુઓ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહી કે બીજા પાસે કરાવવો નહી તેવી આજ્ઞાા છે છતાં કેટલાક સાધુઓ ખાનગી સંસ્થાઓ, ગુરૂકુલો બનાવી સંપતિ એકઠી કરી સંપ્રદાયના લોકોને ભોળવી છેતરપિંડી કરે છે. સ્ત્રી સાથે બોલવું નહી, સ્ત્રીનું મુખ જોવું નહી, સ્ત્રીના વસ્ત્રોને અડવું નહી તેવી આજ્ઞાાઓ હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને ભગવા વસ્ત્રની આડમાં ચારિત્રહિન પ્રવૃતિ કરે છે.

ધર્મના વડા સંપ્રદાયના લંપટ સાધુઓની કરતૂતો જાણતા હોવા છતાં તેઓની સંપ્રદાયમાંથી હાંકી કાઢવાને બદલે છાવરે છે. આવા કૃત્યથી સનાતન ધર્મને લાંછન લાગે છે. સમાજમાં ધાર્મિક લાગણી ધરાવનારની લાગણી દુભાઈ છે. છેલ્લા કેટલાય દિવસથી અનેક કૌભાંડો, દુષ્કર્મ બહાર આવી રહ્યા છે છતાં તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બની બેઠેલા ધર્મના વડાઓ આવા કિસ્સાઓમાં કંઈ કરે તેવું સમિતીની લાગતું નથી તેથી હવે સરકાર આ બાબતે સખ્ત પગલા લે તેવી માંગ કરી છે.

આજે સિધ્ધાંત હિત રક્ષક સમિતીના સેંકડો મહિલા સહિતના હરિભક્તો જૂનાગઢ જવાહર રોડ સ્થિત જૂના મંદિર ખાતે એકઠા થયા હતા. જ્યાં તેઓએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારબાદ આ સમિતી કલેકટર કચેરીએ પહોંચી ત્યાં આવેદનપત્ર આપી લંપટ સાધુઓ સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

‘લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો’ના નારા

સ્વામિનારાયણ સિધ્ધાંત હિત રક્ષક સમિતીએ વિવિધ માંગણીઓ કરી છે. તેમાં લંપટ સાધુને ભગાવો સંપ્રદાય બચાવો, પ્રાઈવેટ સંસ્થા ભગાવો વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો મંદિરને બચાવો, વર્ણશંકર અઠેગઠેને ભગાવો ધર્મને બચાવો, નરાધમ સાધુને ભગાવો સ્ત્રી ધનના ત્યાગીઓને લાવો, લંપટ સાધુના સરદારને ભગાવો સંપ્રદાયનું બંધારણ બચાવો, દેવનો ધર્માદો સ્વીકારી શિક્ષાપત્રીનું પાલન કરો, વહિવટી સ્કિમનો અમલ કરો સિધ્ધાંત બચાવો, બાળકોનું શોષણ કરતા સાધુને ભગાવો સંપ્રદાયનું યુવાધન બચાવો, સત્સંગનો સળો નાબુદ કરવા હરિભક્તો એક થાવની માંગ ઉઠી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *