તા. 27થી 29 શાળા પ્રવેશોત્સવ માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી : રાજકોટની મનપાની 6 પૈકી એકે પણ હાઈસ્કૂલમાં વિદ્યાર્થિનીઓ માટે વિજ્ઞાન પ્રવાહ જ નથી : સ્કૂલોમાં શિક્ષકો, સારા શિક્ષણની કાયમ તંગી ધનાઢય થયેલા નેતાઓ હવે સરકારી સ્કૂલો તો દૂર, તેમનાં સંતાનોને ભારતમાં ભણાવવાનું ટાળી વિદેશોમાં મોકલી દે છે
રાજકોટ, : અને હવે ગુજરાતમાં પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. ખાનગી મોંઘીદાટ સ્કૂલોમાં પોતાના સંતાનોનું એડમીશન લેનાર ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ,પદાધિકારીઓ હવે સરકારી શાળાઓમાં જઈને પ્રવેશોત્સવ ઉજવશે. તા. 27થી તા. 29 જૂન દરમિયાન યોજાનારા પ્રવેશોત્સવ માટે આજે મુખ્યમંત્રીની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પદાધિકારીઓ,અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે કોઈ બાળક શાળાપ્રવેશથી વંચિત ન રહે તેવી સુફિયાણી સૂચનાઓ આપી હતી.
ગુજરાતના ધારાસભ્યો,સાંસદો, પ્રધાનો, મેયર-ચેરમેનો,જિ.પં. પ્રમુખો, કલેક્ટરો, કમિશનરો સહિતના સત્તાધીશો સરકારી સ્કૂલોમાં શુ સુવિધા આપી તેનીવિકાસની વણથંભી વાતો અને ભાષણો આમજનતા સમક્ષ કરશે પરંતુ, આ સત્તાધીશો પોતે પોતાના સંતાનોને સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલો પણ ભણાવવા મુકશે નહીં. તેમના પોતાના સંતાનોને સારૂ શિક્ષણ આપવા ખાનગી અને તગડી ફી લેતી સ્કૂલો,હાઈસ્કૂલોમાં ફી ચૂકવીને કે ફી માફી મેળવીને પ્રવેશ મેળવી લેશે અને પછી સરકારી શિક્ષણના ગુણગાન ગાશે.
વીસ લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં મનપા સંચાલિત 6 હાઈસ્કૂલોમાંથી એક પણ હાઈસ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીનીઓ માટે ધો. 11માં વિજ્પ્રઞાન વાહ જ શરૂ કરાયો નથી. આવી અનેક વર્ષોની બેદરકારી વચ્ચે આગામી ગુરૂવારથી શનિવાર આ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં 12,959 વિદ્યાર્થીઓને અને 3591 વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાનાર છે અને તે માટે ઉત્સવ ઉજવવામાં આવશે. આખુ વર્ષ શાળામાં ફાયર સેફ્ટીથી માંડીને શિક્ષકોની,વર્ગખંડની ઘટ સહિતના મુદ્દે મુલાકાત લઈને તપાસ નહીં કરનારા સરકારી બાબુઓ અને નેતાઓ આ ત્રણ દિવસ સ્કૂલે જશે, ફોટા પડાવશે, કાર્યક્રમ યોજી નાંખશે ત્યારે ત્યાં સુવિધા વધવાની ગેરેંટી નહીં પણ સુશોભન જરૂર કરાશે.
રાજકોટ સહિત રાજ્યભરમાં નેતાઓ અને અધિકારીઓ તેમના સંતાનોને સરકારી સ્કૂલોમાં ભણવા બેસાડવાનું તો દૂર, દેશની સ્કૂલોમાં પણ ભણાવવાનું ટાળે છે અને વિદેશોમાં ભણવા મોકલી દે છે. તો ઘણા મધ્યમવર્ગીય પરિવારો પણ દેશની સ્કૂલોના ખાનગીકરણ અને બેફામ ફીથી બચવા મેડીકલ સહિતના કોર્સ કરવા વિદેશોમાં સંતાનોને ભણાવે છે.