Rajkot Game Zone Fire: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. વેપારીઓએ મૃતકો આત્માની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખવામાં આવ્યા હતા. 

બંધના એલાનને વેપારીઓનું મળ્યું સમર્થન 

રાજકોટમાં બંધના એલાનના પગલે શહેરમાં સ્વંભૂ બંધને સમર્થન આપાવામાં આવ્યું છે. બંધના પગલે સતત અવરજવરવાળા રસ્તાઓ સૂમસામ બની ગયા છે. આ બંધના એલાનમાં મોટાભાગના વેપારીઓએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય સહિત આગેવાનોએ વેપારીઓને હાથ જોડીને બંધ પાળવા માટે વિનંતી કરી છે. રાજકોટ બંધના એલાનમાં સોની બજારનું સમર્થન મળ્યું છે સંપૂર્ણપણ બંધ પાળીને સમર્થન પુરૂ પાડવામાં આવ્યું છે. જ્યારે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા સ્કૂલો બંધ કરાવવામાં આવી છે.   આ બંધના આંદોલનના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી પણ જોડાઇ ગયા છે. 

પોલીસકર્મીએ વેપારીઓની યાદી માંગી 

બંધ પૂર્વે પોલીસ કર્મચારી એક વેપારી આગેવાનને ફોન કરીને તમામ વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેમ કહેતા હોવાનો ઓડિયો વાયરલ થતા વિવાદ જાગ્યો હતો. ઓડિયોમાં પોલીસકર્મી વેપારીઓને ધરાર! બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે કન્ફર્મ કરવા આ યાદી મંગાઈ રહ્યાનું જણાવે છે, ત્યારે વેપારી અમને કોઈએ કશુ દબાણ કર્યું નથી તેમ જણાવે છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી.

અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ

રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે સરકારની સિટની તપાસમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતાપૂલ કે તક્ષશિલા અગ્નિકાંડ એકેયમાં લોકોને ન્યાય મળ્યો નથી. રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠીયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે. 

શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઈ છે, પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને છાવર્યા છે. ટીપીઓ કે ફાયર ઓફિસરો શાસકપક્ષના બેકીંગ વગર આવું કરી શકે નહીં. 

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત હોવાથી તેને ખુલ્લો ટેકો આપ્યો નથી પરંતુ, કોંગ્રેસને ચેમ્બરના સેક્રેટરીએ એક પત્ર લખી આપ્યો છે જેમાં વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ બંધ પાડે તેમ અપીલ કરાઈ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *