Surat Fire Station : સુરત પાલિકા વિસ્તારમાં ગરીબો માટે બનાવેલા આવાસ જર્જરિત થઈ જતા હોવાની ફરિયાદ વચ્ચે આજે પાલિકાએ 10 વર્ષ પહેલા ભેસ્તાન ખાતે બનાવેલું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસ જર્જરિત થતા હોવાની વાત બહાર આવી છે. 10 વર્ષમાં જ બિલ્ડીંગના કોલમ, બીમ અને દીવાલોમાં તિરાડ પડવાની સાથે-સાથે પ્લાસ્ટરના પોપડા પણ નીકળી ગયા છે. હવે સ્ટ્રેન્ધીંગ કરવા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. હાલ આ આવાસ જર્જરિત છે પરંતુ ફાયર વિભાગના કર્મચારીઓ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે.
સુરત પાલિકા ચોમાસા પહેલા લોકોના જર્જરિત ઈમારત માટે કડકાઈ દાખવી રીપેરીંગ ન થાય કે ઉતારી લેવામાં ન આવે તો આકરા પગલાં ભરે છે. તો બીજી તરફ સુરત પાલિકાના ફાયર વિભાગના ભેસ્તાન ફાયર સ્ટેશન અને તેની સાથે બનાવેલા સ્ટાફ ક્વાટર્સ જ જર્ચરિત થઈ ગયાં છે. પાલિકાએ ભેસ્તાન ફાયર સેક્શન અને તેની સાથે ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળના બે બ્લોક બનાવ્યા હતા જેમાં ફાયર વિભાગના સ્ટાફ વસવાટ કરે છે. દસ વર્ષ પહેલા પાલિકાએ આ બિલ્ડીંગ બનાવ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ બિલ્ડીંગ જર્જરિત હોવાની ફરિયાદ થઈ હતી. હાલમાં આ બિલ્ડીંગની કોલમ, બીમ અને દીવાલોમાં તિરાડ પડવાની સાથે-સાથે પ્લાસ્ટરના પોપડા પણ નીકળી ગયા છે. જેમાં ફાયર વિભાગના કર્મચારીઓ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે.
આ અંગેની ફરિયાદ બાદ પાલિકાએ ફાયર સ્ટેશનનું સ્ટ્રકચરલ સ્ટેબિલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટ્રક્ચરલ એન્જીનિયરની દેખરેખમાં જરૂરી સમારકામ કરવામાં આવે તો 10 થી 15 વર્ષ સુધી આ ઈમારત વસવાટને લાયક બની શકે તેમ છે તેવું તારણ બહાર આવ્યું હતું. જોકે, દસ વર્ષ પહેલા પાલિકાએ આ ઈમારત બનાવી હતી તે આ ટુંકા ગાળામાં કેવી રીતે જર્જરિત થઈ ગઈ તેની તપાસ સુધ્ધા કરી નથી પાલિકાના ફાયર સ્ટેશનમાં આ પ્રકારની ગંભીર ખામી હોવાથી અનેક અટકળો થઈ રહી છે.
સુરત પાલિકાએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટને પગલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ મકાનમાં સ્ટ્રકચરલ રિહેબીલીટેશન કરવા કવાયત શરુ કરી છે. આ કામગીરીમાં ફાયર સ્ટેશન માટે 94.91 લાખ જ્યારે ફાયર સ્ટાફ ક્વાટર્સના એક બિલ્ડીંગ માટે 94.91 લાખ અને 90.77 લાખ રૂપિયાનો ખર્ચ થાય તે માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે. જોકે, માત્ર દસ વર્ષા ગાળામાં જ આ બિલ્ડીંગ કેવી રીતે જર્જરિત થયું તેની તપાસ કરવામાં આવે તો કામગીરીમાં અનેક ગોટાળા બહાર આવી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.