ખાનગી ગુરુકુળ ચલાવતા સંતો સામે હવે હરિભક્તો મેદાને પડ્યા
જૂનાગઢ જવાહર મંદિર ખાતે તમામ હરિભક્તો એકત્રિત થયા
બાળકોને પણ અટકાવવા જોઈએ તેવી અપીલ કરવામાં આવી
સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો, ખાનગી ગુરુકુળ ચલાવતા સ્વામી નારાયણના સંતો સામે હવે હરિભક્તો મેદાને પડ્યા છે. જેમાં સનાતન ધર્મ અને સ્વામી નારાયણ સંપ્રદાયને બચાવવા આજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જમીન કૌભાંડ, સ્ત્રીઓ સાથે વ્યભિચાર, તેમજ વિદ્યાર્થીઓનું શોષણ કરે છે તેની સામે આજે હરિભક્તોમાં ફાટી નીકળેલો રોષ બહાર આવ્યો છે.
જૂનાગઢ જવાહર મંદિર ખાતે તમામ હરિભક્તો એકત્રિત થયા
જૂનાગઢ જવાહર મંદિર ખાતે તમામ હરિભક્તો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ખાનગી ગુરુકુળ ચલાવતા સંતોને તેમજ લંપટ સ્વામી નારાયણ સંતોને હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. હજારો હરિભક્તોએ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ સ્વામિનારાયણ લંપટ સાધુઓના નામના છાજિયાં લીધાં હતા. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના હરી ભક્તોએ કહ્યું હતુ કે બહેનોને પણ આવા સંતોને ખુલ્લા પાડવામાં આગળ આવવું જોઈએ.
બાળકોને પણ અટકાવવા જોઈએ તેવી અપીલ કરવામાં આવી
આ પ્રકારના મંદિરમાં જતા બાળકોને પણ અટકાવવા જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. હરિભક્તોની માગણીઓ જુનાગઢ મુખ્ય મંદિરના પ્રશાસન કર્તાઓની સામે છે અને આ મંદિરના પ્રશાસન કર્તાઓ પાસેથી લેખિતમાં માગણી કરી હતી કે મંદિરમાંથી લંપટ સાધુઓને હટાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવો. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી જે સંતો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદો છે જેમાં ગંભીર પગલાઓ લેવા માટે મહિલા આયોગ આગળ આવે તેવી પણ માગણી કરી હતી. છેલ્લા 20 વર્ષથી ઘણા સંતો ઉપર અલગ અલગ કેસો થઈ રહ્યા છે. જેમાં સ્ત્રી પરના ખરાબ કૃત્યો, જમીન કૌભાંડ, કોઈની સ્ત્રીને ભગાડી જવી, ખોટી નોટો છાપવી આવા ગુના આચરનાર લંપટ સંતો પર કાર્યવાહી થાય તે માટે જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.