ચાકલિયા રોડ સહિત કેટલાયે વિસ્તારોમાં વૃક્ષોનું નિકંદન
વૃક્ષારોપણ થઈ શકે તેમ હોવા છતાં પર્યાવરણની ઐસી તૈસી
દાહોદમાં વૃક્ષો કાપી પેવર બ્લોક ગોઠવાયેલા જણાય છે.
દાહોદ શહેરમાં સ્માર્ટ રોડ બની રહ્યા છે પરંતુ હાલ સુધી એવુ કશુયે દેખાતુ નથી કે જ્યાં એક નાનો સરખો છોડ પણ ઉછેરી શકાય.ચાકલીયા રોડ જેવા વિસ્તારોમા પ્રાચીન વૃક્ષોનુ નિકંદન કાઢયા પછીયે જયાં વૃક્ષો ઉછેરી શકાય તેમ છે ત્યાં પણ માત્ર પેવર બ્લોક પાથરી જમીન અને પર્યાવરણની ઘોર ખોદાતી હોય તેમ જણાઈ રહ્યુ છે.
દાહોદ શહેરમાં કરોડો રૂપીયાના ખર્ચે સ્માર્ટ રોડ બની રહ્યા છે. જેને માટે કેટલીય પાકી દુકાનો તોડી નાંખી, સ્માર્ટ વિસ્તારોમાં સ્માર્ટ રોડ બનાવવા માટે પ્રાચીન વૃક્ષોનું નિકંદન કાઢવામા આવ્યું છે.જેમાં ચાકલીયા રોડ પર કેટલાય વૃક્ષો કાપી નાંખ્યાં, જ્યાં સ્માર્ટ રોડ બને છે ત્યાં પેવર બ્લોક નાંખી જાણે પેવર બ્લોકનું જંગલ ઉભુ કરી દીધુ હોવાનું જણાઈ આવે છે. ચાકલીયા રોડ પર જ્યાં વૃક્ષો કાપવામાં આવ્યાં ત્યાં ઘણે ઠેકાણે ઘણા વૃક્ષો ઉછેરી શકાય તેમ છે. તેમ છતાંય અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે, જાણે સ્માર્ટ સીટી કંપનીના જવાબદારોને શહેરમાં હરીયાળીની કોઈ પડી જ નથી. દાહોદના ઈતિહાસમાં આ વખતે પહેલીવાર 45 ડિગ્રી તાપમાન થઈ ગયું ત્યારે લોકોને વૃક્ષોની અહેમીયત ખબર પડી. વૃક્ષા રોપણ બાબતે જન જાગૃતિની આટલી બધી વાતો થઈ રહી છે ત્યારે સ્માર્ટ સીટી કંપનીને તેની કોઈપણ અસર થતી હોય તેમ જણાતું નથી.
સુત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું છે કે, પ્રકૃતિઓ પ્રેમીઓને હાલ વૃક્ષારોપણ માટે કોઈ દખલગીરી ન કરવા જણાવી દેવામાં આવ્યું છે. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં એવી ખાલી કોઈપણ જગ્યા બચી નથી જ્યાં વૃક્ષારોપણ કરી શકાય. જેથી આવા રસ્તાઓની બંન્ને બાજુ જ્યાં જગ્યા હોય અને ઉપરથી ઈલેક્ટ્રીક લાઈન પસાર ન થતી હોય, કોઈ જોખમ ન હોય તેવી જગ્યાએ વૃક્ષારોપણ કરવું એ દાહોદને હરીયાળુ બનાવવાના હિતમાં છે. દાહોદની પ્રાચીન પ્રકૃતિ પ્રેમી સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વરસાદ પછી દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે.
પણ દાહોદ શહેરી વિસ્તારમાં કોઈપણ ખુલ્લી જગ્યા ન હોવાથી તેઓએ નોટીફઈડ એરીયા ફ્રિલેન્ડગંજના સહારેજ રહેવુ પડે છે. સરકારના વન વિભાગ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આવા કાર્યક્રમો જતાં હોવા છતાં દાહોદમાં ખાલી રહેલી જગ્યાઓએ સ્માર્ટ સીટી કંપની અંતર્ગત ગ્રીનેરી અંગેનો કોઈ કન્સેપ્ટ જોવા મળ્યો નથી અથવા તો તેની જાહેરાત કરવામાં આવી નથી.