Vadodara News : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા રજૂઆત કરી હતી કે, અમારા વોર્ડ નંબર 1માં વોર્ડ કચેરી બે મહિનાથી તૈયાર છે પરંતુ તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું નથી. આ મામલે મેં આચારસંહિતા લાગુ થાય તે અગાઉ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવવાના હતા ત્યારે વિવિધ યોજનાઓના ઉદ્ઘાટન સાથે વોર્ડ કચેરીનું ઉદ્ઘાટનનું આયોજન કરી દેવું જોઈએ તેવી રજૂઆત કરી હતી અને ત્યારે થોડું જ કામ બાકી હતું પરંતુ તે સમયે તંત્રએ તેનું ઉદ્ઘાટન ન કર્યું. જે પછી આચારસંહિતા અમલી થઈ અને આજે બે મહિનાથી કરોડોના ખર્ચે બનેલી અમારી વોર્ડ કચેરી તૈયાર છે તેમ છતાં અમારા વોર્ડના રેવન્યુ, સેનેટરી, એન્જિનિયરિંગ સહિતનો સ્ટાફ પતરાની નીચે ઓફિસમાં બેસીને કામ કરી રહ્યો છે. ભારે ગરમીમાં તેઓને હેરાન થવું પડે છે. તો હવે નવીન વોર્ડ કચેરી ક્યારે ખોલવામાં આવશે? એવું તેમણે પૂછ્યું હતું.
ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ બે મહિનામાં નવીન વોર્ડ કચેરી શરૂ કરી દેવામાં આવશે. ત્યારે મહિલા કોર્પોરેટરે જણાવ્યું કે, બે મહિના એટલો બધો સમય શા માટે હોય? તમારે જેના હાથે ઉદ્ઘાટન કરાવી દેવું હોય તેના હાથે કરાવી દો અથવા મહિલા મેયરના હસ્તે તેમને ખુલ્લી મૂકી દો. જો તમે તેમ નહીં કરો તો અમે વોર્ડના ચારેય કોર્પોરેટર આગામી 10 દિવસમાં જાતે વોર્ડ કચેરીનું ઉદ્ઘાટન કરી દઈશું.
દરમિયાનમાં પુષ્પાબેન વાઘેલા એ તેમના વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ પડે છે તે અંગે રજૂઆત કરવાની સાથે સાથે તેમણે પાણીના મોરચા દરમ્યાન કોર્પોરેશનની કચેરીમાં વારસિયાના એક વ્યક્તિનું મોત નીચું હોવાનો ઉલ્લેખ કરતા ભાજપના મહિલા કોર્પોરેટરો ઉશ્કેરાયા હતા અને સામે વહીવટી તંત્રનો બચાવ કરતા જણાવ્યું કે તે વ્યક્તિ બીમાર હતો અને તેને અહીં રજૂઆત કરવા આવવાની કોઈ જરૂર નથી છતાં પણ તે આવ્યા હતા તેમને કોઈએ કીધું ન હતું કે તમે અહીં રજૂઆત કરવા આવો જેથી કોંગ્રેસ ભાજપના સભ્યો આમને સામને આવી ગયા હતા.