China-Tibet Dispute : ભારતના પડોશી દેશ ચીનનો માત્ર ભારત જ નહીં તિબેટ સાથે પણ સરહદ વિવાદ છે. ડ્રેગન વર્ષોથી એવો દાવો કરી રહ્યું છે, તિબેટ પર તેનો અધિકાર છે. ત્યારે અમેરિકી સંસદે તિબેટ મામલે મોટો નિર્ણય લઈ એક બિલ પસાર કર્યું છે. આ બિલનું નામ ‘રિઝોલ્વ તિબેટ એક્ટ’ છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) આ બિલ પર ટુંક સમયમાં હસ્તાક્ષર કરવાના છે. બીજીતરફ ચીન અમેરિકાના વલણના કારણે લાલઘૂમ થયું છે તેણે બિલ પર હસ્તાક્ષર ન કરવા અપીલ કરી છે. વ્હાઈટ હાઉસે કહ્યું છે કે, રાષ્ટ્રપતિ બાઈડેનને અમેરિકા માટે જે યોગ્ય લાગશે, તે કરશે.

‘રિઝોલ્વ તિબેટ એક્ટ’ બિલના સમર્થનમાં 391 મત પડ્યા

આ બિલ અમેરિકન સંસદ (American Parliament)ના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેજેન્ટેટિવમાં 12 જૂને પસાર કરવામાં આવ્યું હતું. બિલના સમર્થમાં 391 મતો તો વિરોધમાં 26 મત પડ્યા હતા. ત્યારબાદ સીનેટમાં પણ બિલ પસાર થઈ ગયું હતું. આ બિલનો મુખ્ય હેતુ તિબેટના વિવાદને ઉકેલવાનો છે. બિલમાં તિબેટની સ્થિતિ અને વિવાદ અંગે શાંતિપૂર્ણ સમાધાન કરવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તિબેટના ધર્મગુરુ દલાઈ લામા (Dalai Lama) સાથે ચીન પરી વાતચીત કરી, તેવું પણ કહેવાયું છે.

અમેરિકન ડેલિગેશન ભારતની મુલાકાતે

બીજીતરફ અમેરિકાની વિદેશ બાબતોની સમિતિના ચેરમેન માઈકલ મૈકૉલ ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ દલાઈ લામા સાથે પણ મુલાકાત કરી બિલ અંગે ચર્ચા પણ કરશે. આ ડેલિગેશનમાં અમેરિકન સંસદના પૂર્વ સ્પીકર નૈન્સી પેલોસી પણ સામેલ છે. અગાઉ નેન્સી તાઈવાનની મુલાકાતે ગયા હતા, જેના કારણે ચીન ગુસ્સે થઈ યુદ્ધની ધમકી આપી હતી.

આ બિલમાં શું છે?

‘રિઝોલ્વ તિબેટ એક્ટ’ નામનું આ બિલ તિબેટ પર ચીનના કબજાને નકારી કાઢે છે. બિલમાં ઉલ્લેખ કરાયો છે કે, અમેરિકા તિબેટ સાથે ઉભું છે અને ચીન સાથે ચાલી રહેલા વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં મદદ કરશે. અમેરિકા ચીન અને દલાઈ લામા વચ્ચે બિનશરતી સમજૂતી કરવાનો પ્રયાસ કરશે. આ બિલ તિબેટને લઈને ચીન સરકાર દ્વારા થતાં ખોટા પ્રચારને પણ નકારી કાઢે છે. આ બિલમાં ચીન સરકારના પ્રચાર સામે લડવા માટે ભંડોળની જોગવાઈ પણ કરાઈ છે.

ચીન કેમ ગુસ્સે થયું?

ચીનનો દાવો છે કે, તેનો તિબેટ પર સદીઓથી અધિકાર છે. ચીને આ બિલનો વિરોધ કર્યો છે અને અમેરિકન રાષ્ટ્રપતિને બિલ પર હસ્તાક્ષર ન કરવા કહ્યું છે. ચીન તિબેટને શિજાંગ કહે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને મંગળવારે કહ્યું હતું કે, ‘કોઈપણ શક્તિ જે ચીનને અંકુશમાં રાખવા માટે શિનજિયાંગને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તે સફળ નહીં થાય. અમેરિકાએ બિલ પર હસ્તાક્ષર ન કરવા જોઈએ. ચીન તેની સાર્વભૌમત્વ, સુરક્ષા અને હિતોના રક્ષણ માટે કડક પગલાં લેશે. દલાઈ લામા કોઈ ધાર્મિક વ્યક્તિ નથી, પરંતુ તેઓ ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દેશનિકાલ વ્યક્તિ છે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *