અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં ચોરીના દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે અમરાઇવાડી વિસ્તારમાં લોખંડની કામગીરી કરતા કારખાનાના છતનું પતરુ ખોલીને અજાણી વ્યક્તિએ અંદર પ્રવેશ કરીને ઓફિસના ડ્રોઅરનું લોક તોડીને અંદરથી રોકડા ૬ લાખ સહિત કુલ રૃા. ૬.૭૦ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
કારખામાં પ્રવેશીને ડ્રોઅરનું લોક તોડી ચોરી કરી ઃ અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, કોઇ જાણભેદુ હોવાની શંકા આધારે તપાસ
અમરાઇવાડીમાં બરોડા એક્સપ્રેસ હાઇવે સામે રહેતા વેપારીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૪ના રોજ તેઓ ઘરે હતા ત્યારે કારીગરે ફોેન કરીને જાણ કરી હતી કે કારખાનાના શેડનું પતરું ખોલીને અજાણી વ્યક્તિએ અંદર પ્રવેશ કર્યો હતો.
ઓફિસમાં ડ્રોઅરનું લોક તોડીને અંદરથી રૃા. ૬.૭૦ લાખની ચોરી કરી હતી જેમાં બે દિવસ પહેલા જ ફરિયાદીએ ઉછીના આપેલા રૃા. ૬ લાખ તેમના મિત્ર આપી ગયા હતા તે પણ ઓફિસના ડ્રોઅરમાં મૂકેલા હતા. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુએ ચોરી કરી હોવની શંકા આધારે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.