અમદાવાદ, મંગળવાર
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં તિક્ષ્ણ હથિયારથી હુમલાના બનાવો વધી રહ્યા છે. બાપુનગરમાં પડોશીએ તારા ભાઇએ કેમ અમારા સામે ફરિયાદ કરી હતી તેમ કહીને ચાકુ, છરીથી હુમલો કરીને પડોશી યુવક અને તેના સગા સહિત ત્રણને લોહી લુહાણ કર્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પડોશી મહિલા અને તેના પુત્રોએ યુવક અને તેના મામાના દિકરાને ઢોર માર માર્યા બાદ ચાકુ છરીથી હુમલો કરતાં ત્રણેય સારવાર હેઠળ
બાપુનગરમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતી માતા અને તેમના બે પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેઓ ઘરની બહાર સૂતા હતા ત્યારે પાડોશી મહિલા અને તેમના બે પુત્રો તેમની પાસે આવ્યા હતા અને તારા ભાઇએ કેમ અમારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કહીને ઝઘડો કર્યો હતો. અને યુવકને ઢોર માર માર્યો હતો.
એટલું જ નહી તેમના પુત્રએ યુવકને માથામાં છરીનો ઘા મારતા બુમાબુમ થતાં ફરિયાદી યુવકના મામાના બે દિકરાન ઉપર પણ મહિલાના બન્ને પુત્રોએ છરી અને ચાકુ વડે હુમલો કર્યો હતો. આ સમયે આસપાસના લોકો આવી જતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.