Haryana Congress Politics : લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાને માત્ર 15 દિવસ થયા છે, ત્યારે હરિયાણામાં દિગ્ગજ ચહેરાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરણ ચૌધરી અને તેમની પુત્રી શ્રુતિએ કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. કિરણ ચૌધરી હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલની પુત્રવધુ છે, જ્યારે કિરણની પુત્રી શ્રુતિ પૂર્વ સાંસદ છે. આ ઉપરાંત શ્રુતિ કોંગ્રેસ છોડ્યા પહેલા હરિયાણા કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ પણ હતા. ગઈકાલે જ બંનેએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આજે સવારે 10.30 વાગ્યે, તેઓ ભાજપ હેડક્વાર્ટર ખાતે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. કિરણ ચૌધરીની સાથે કુમારી શૈલજા અને રણદીપ સિંહ સુરજેવાલાની વાત કરીએ તો આ ત્રણે નેતાઓને રાજ્યમાં એસઆરકે ટીમ તરીકે ઓળખવામાં આવે છે અન તેઓ હંમેશા કોંગ્રેસના પર્યાય બનેલા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પડકાર ફેંકતા રહ્યા છે.
કોંગ્રેસે હરિયાણાની સત્તાથી છેલ્લા 10 વર્ષથી દુર
કોંગ્રેસે હરિયાણાની સત્તાથી છેલ્લા 10 વર્ષથી દુર છે. વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હરિયાણામાંથી એક પણ બેઠક ન જીતનાર કોંગ્રેસે આ વખતે રાજ્યની 10 બેઠકોમાંથી પાંચ બેઠકો જીતી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેથી રાજ્યની સત્તા પર પરત પરવાની પાર્ટીની આશા પણ જાગી છે, જોકે બીજીતીફ કિરણ ચૌધરીએ રાજીનામું આપતા પાર્ટીનો મોટો ઝટકો લાગ્યો છે. તેમના રાજીનામાં બાદ હરિયાણામાં ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પર કેટલી અસર પડશે, તેની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
કિરણ ચૌધરીના જવાથી કોંગ્રેસને નુકસાન
રાજકીય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના નેતાઓમાં પાર્ટી પર વિશ્વાસનો અભાવ અને પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી શકશે કે નહીં, તેવી ઘણી બાબતોના કારણે અગાઉ કોંગ્રેસમાં પક્ષ પલટાની સ્થિતિ જોવા મળી હતી. જોકે તાજેતરની લોકસભા ચૂંટણી બાદ ચિત્ર બદલાઈ ગયું છે. નિષ્ણાંતોને લાગે છે કે, કિરણ ચૌધરીના જવાથી કોંગ્રેસને વધુ નુકસાન થઈ શકે છે. તેમ છતાં, હવે કોંગ્રેસ નેતૃત્વએ કુમારી સેલજા અને રણદીપ સિંહ સુરજેવાલા સાથે વાતચીત કરવી જોઈએ અને તેમને ખાતરી આપવી જોઈએ કે તેમને હાંસિયામાં ધકેલવામાં આવશે નહીં. બીજીતરફ કોંગ્રેસે એ પણ ધ્યાન રાખવું પડશે કે, રાજ્યમાં પાર્ટીનો સૌથી મોટો ચહેરો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા હતાશ અને નિરાશ ન થાય.
કિરણ ચૌધરીએ પાર્ટી કેમ છોડી?
કિરણે કોંગ્રેસ કેમ છોડ્યું, તે જાણ્યા પહેલા હરિયાણા કોંગ્રેસના આંતરિક વિવાદની ચર્ચા કરવી જરૂરી છે. હરિયાણામાં બે વખતના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા કોંગ્રેસનો પર્યાય બની ગયા છે, તો બીજીતરફ હુડ્ડાને પડકાર આપતું એક જૂથ કુમારી શૈલજા, રણદીપ સિંહ સુરજેવાલા અને કિરણ ચૌધરીનું છે. કિરણ ચૌધરીની પૂત્રી શ્રુતિ કોંગ્રેસની લોકસભા ટિકિટની દાવેદાર હતી. શ્રુતિએ 2009માં મહેન્દ્રગઢ-ભિવાની લોકસભા બેઠક જીતી હતી, જોકે 2014 અને 2019માં આ જ બેઠક પર તેની હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસે 2024માં તેમના સ્થાને હુડ્ડાના નજીકના સાથી રામ દાન સિંહને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં કિરણ ચૌધરી માટે ઝટકા સમાન બે વાત હતી, એક તો તેમની પુત્રીની ટિકિટ કપાઈ અને બીજું, હુડ્ડાના નજીકના સાથીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. આ બંને બાબતોના કારણે કિરણ નારાજ થઈ ગયા હતા.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જાટ સમુદાયનો મોટો ચહેરો
કિરણ ચૌધરીએ રાજીનામાં કહ્યું છે કે, હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત જાગીર બની ગઈ છે અને તેમાં અમારા જેવા ઈમાનદાર લોકો માટે કોઈ સ્થાન બચ્યું નથી. કિરણ ચૌધરી 40 વર્ષથી કોંગ્રેસમાં હતા. તો બીજીતરફ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ જાટ સમુદાયનો મોટો ચહેરો છે. રાજ્યમાં જ્યારે કોંગ્રેસનો દબદબો હતો, ત્યારથી કિરણ, શૈલજા અને સુરજેવાલા, ત્રણેય હુડ્ડાને પડકાર ફેંકતા રહ્યા છે.
શું ખરેખર પુત્રીને ટિકિટ ન મળતા કિરણે રાજીનામું આપ્યું?
હવે કિરણના રાજીનામાં બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ખરેખર તેમણે પુત્રીને ટિકિટ ન આપતા રાજીનામું આપ્યું છે? રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, કોંગ્રેસ હરિયાણામાં જાટ-દલિતોને સાથે લાવી મતોનું નવું સમીકરણ ઉભું કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. પાર્ટી પાસે પહેલેથી જ હુડ્ડા જેવો મોટો જાટ ચહેરો છે. મલ્લિકાર્જુન ખડગેએ કુમારી શૈલજાને એવો વિશ્વાસ આપ્યો છે કે, કોંગ્રેસ તમારી સાથે અન્યાય નહીં થવા દે. કિરણ ચૌધરી પણ જાટ સમાજના છે. આવી સ્થિતિમાં રાજ્યની જાટ પોલિટિક્સની પિચ પર હુડ્ડા જેટલું કદ કિરણને અપાયું હોય, તેવું જોવા મળ્યું નથી.
કિરણ જોડાયા ભાજપની તાકાત વધી
બીજીતરફ ભાજપની વાત કરીએ તો રાજ્યના જાટ રાજકારણની પીચ પર ભાજપ મજબૂત નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપની પાંચ બેઠકો પર હાર થઈ હતી, જેની પાછળ જાટ અને ખેડૂતોની નારાજગી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત ભાજપનું જનનાયક જનાત પાર્ટી સાથે ગઠબંધન પણ તુટી ગયું છે. આવી સ્થિતિમાં ભાજપને એક મોટા ચહેરાની અને કિરણ ચૌધરીને પ્રધાનતાની જરૂર હતી.
કિરણને રાજ્યસભામાં મોકલી શકાય છે
કિરણ ચૌધરી દિલ્હી વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. રોહતકથી કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર હુડ્ડાની જીતથી રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે, જો ભાજપ આગેવાન અને કિરણ ચૌધરી વચ્ચે સમજૂતી થાય છે તો તેમને હરિયાણાથી રાજ્યસભામાં પણ મોકલવામાં આવી શકે છે. કિરણ ચૌધરી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસનો એક ધારાસભ્ય ઓછો થશે. જો કે, કિરણે કહ્યું કે તે અને તેની પુત્રી બંને બિનશરતી ભાજપમાં જોડાયા છે.
લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસને ઝટકો, પૂર્વ CMની પુત્રવધૂના દીકરી સાથે કેસરિયા