રાજકોટના રૈયા ગામ નજીક બે નેપાળી ચોકીદારની બે પુત્રીઓ ખરેખર કઇ રીતે સ્વિમિંગ પૂલમાં ખાબકી તે અંગે તપાસ
રાજકોટ, : રાજકોટના રૈયા ગામ નજીકના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર સ્થિત શિલ્પન ઓનેક્સ નામની રેસિડેન્સીમાં નોકરી કરતાં બે નેપાળી ચોકીદારની બે પુત્રીના ગઇકાલે સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
શિલ્પન ઓનેક્સમાં કુલ 7 વિંગમાં 364 ફલેટ છે. રેસીડેન્સીમાં કોમન સ્વિમિંગ પૂલ છે. જે માત્ર શનિવાર અને રવિવાર એમ બે દિવસ જ ચાલુ હોય છે. રેસિડેન્સીમાં ચોકીદારી કરતાં પ્રકાશ તેજબહાદુર સિંગની પુત્રી મેનુકા (ઉ.વ.૩ વર્ષ બે માસ) અને બીજા ચોકીદાર ગોકુલ રંગબહાદુર ચંદની પુત્રી પ્રકૃતિ (ઉ.વ.૩ વર્ષ ૯ માસ) ગઇકાલે રાત્રે સ્વિમિંગ પૂલ એરિયા નજીક સાઇકલ ફેરવવા ગઇ હતી.
બંને એકાદ કલાક સુધી પરત નહીં આવતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં સ્વિમિંગ પૂલ પાસેથી બંનેની સાઇકલ મળી આવી હતી. એટલું જ નહીં સ્વિમિંગ પૂલમાંથી બંનેના મૃતદેહો પણ મળી આવતાં તેમના પરિવારમાં કાળો કલ્પાંત અને રહીશોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. ૧૦૮ના તબીબે બંને બાળાઓને મૃત જાહેર કરી હતી.
જો કે આ બંને બાળાઓ ખરેખર કઇ રીતે સ્વિમિંગ પૂલમાં પડી અને ડૂબી ગઇ તે વિશે કોઇ માહિતી મળી નથી. રેસીડેન્સીના રહીશોએ જણાવ્યું કે ગઇકાલે સાંજે ૭.૩૦ સુધી રેસીડેન્સીના બાળકોએ સ્વિમિંગ પૂલમાં ન્હાવાની મજા માણી હતી. ત્યારબાદ રેસીડેન્સીમાં રાત્રે મૂવીનો પ્રોગ્રામ પણ હતો.
૯.૩૦ વાગ્યે મૂવી શરૂ થતાં બધા તે જોવા માટે જતા રહ્યા હતા. પાછળથી જ્યારે સ્વિમિંગ પૂલના એરિયામાં કોઇ ન હતું ત્યારે આ ઘટના બની હતી. આ એરિયામાં સીસીટીવી કેમેરા પણ છે. પરંતુ મહિલાઓ સ્વિમિંગમાં આવતી હોવાથી તેના ફૂટેજ સેવ કરાતા નથી. આ જ કારણથી ખરેખર બંને બાળાઓ કઇ રીતે સ્વિમિંગ પૂલમાં ખાબકી તે વિશે કોઇ ચોક્કસ માહિતી મળી નથી. પોલીસ સૂત્રોએ પણ જણાવ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે.
રેસીડેન્સીના રહીશોએ જણાવ્યું કે સ્વિમિંગ પૂલની રેલિંગ પર ચડી ગયા બાદ ત્યાંથી નીચે ખાબકતા બંને બાળાઓ ડૂબી ગયાનું હાલ જણાઇ રહ્યું છે.
સાથોસાથ બીજી એવી પણ શક્યતા દર્શાવાઇ છે કે સ્વિમિંગ પૂલમાં જવા માટે જે સીડી બનાવાઇ હતી તેનો દરવાજો ખુલ્લો રહી જતાં ત્યાંથી બંને બાળાઓ નીચે ઉતરી, સ્વિમિંગ પૂલમાં પહોંચી ડૂબી ગઇ હતી. જો કે રેસીડેન્સીના જવાબદાર રહીશોએ સ્વિમિંગ પૂલમાં ઉતરવા માટેનો દરવાજો બંધ હોવાનું જણાવ્યું છે.
રેસીડેન્સીના રહીશોએ વધુમાં જણાવ્યું કે ચારેક દિવસ પહેલા બી-2 વિંગના ચોકીદારનું બાળક સ્વિમિંગ પૂલ આસપાસ આટા મારતું હતું ત્યારે મેનેજરે ચોકીદારને ટપાર્યો હતો. કોઇ બાળક સ્વિમિંગ પૂલમાં પડી ન જાય તે માટે ચારેક વર્ષ પહેલા જ સ્વિમિંગની ફરતે રેલિંગ બાંધવામાં આવી હતી. એટલું જ નહીં સ્વિમિંગ પૂલમાં જવા માટે સીડી પાસે દરવાજો પણ મૂકવામાં આવ્યો હતો. ભોગ બનનાર મેનુકાના પિતા પ્રકાશ સિંઘ આઠ માસથી ચોકીદારી કરે છે. જ્યારે બીજી ભોગ બનનાર પ્રકૃતિના પિતા 17 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યા હતા.