Surat Youth on Cycle Chardham Yatra : સુરતના કતારગામ વિસ્તારના 18 અને 16 વર્ષના બે યુવાનો સાદી સાયકલ લઈને 10 મેના રોજ સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ બંને યુવાનોએ 36 દિવસમાં ચારેય ધામના સફળ દર્શન કરી ગઈકાલે કતારગામ આવ્યા હતા ત્યાં સ્થાનિક લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉત્તરાખંડ સુધી રોજના 90થી 110 કિલોમીટર સાયકલ ચલાવી હતી. પરંતુ ઉત્તરાખંડની યાત્રામાં તેઓએ રોજના 35થી 50 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. ચારેય ધામના દર્શન બાદ તેઓ બદ્રીનાથથી હરિદ્વારા અને ત્યાંથી ખાનગી વાહનમાં ગઈકાલે સુરત આવ્યા હતા જ્યાં તેઓનું સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચારધામની યાત્રા શરૂ થતાની સાથે જ સુરત સહિત દેશના જુદા જુદા ભાગમાંથી લોકો જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરીને ચાર ધામની યાત્રાએ પહોંચતા હોય છે. ખાનગી વાહનોમાં આરામદાયક રીતે અનેક લોકો પ્રવાસ કરે છે. તેમ છતાં ઘણાં લોકોની ચાર ધામની યાત્રા અધુરી રહી જાય છે. પરંતુ સુરત કતારગામના 18 વર્ષનો રોહિત વરિયા અને 16 વર્ષીય સાહિલ ઉનાગરએ અનોખી શિવ ભક્તિ કરી છે અને માત્ર 36 દિવસમાં સાદી સાયકલનો ઉપયોગ કરીને ચારેય ધામના દર્શન પુરા કર્યા છે.
આ પહેલા આ બંને યુવાનો સુરતથી દ્વારકા દર્શન માટે સાયકલ પર ગયાં છે તેઓને સાહસ કરવા સાથે શિવજીના દર્શન કરવા માટેનો નિર્ધાર કર્યો હતો. તેઓએ શરૂઆતમાં ઘરના વડિલોએ આ સાહસ માટે ના પાડી હતી પરંતુ ત્યારબાદ તેઓ માની ગયા હતા. 15 મેના રોજ આ બંને યુવાનો કતારગામ થી સાયકલ લઇ ચારધામની યાત્રા નીકળ્યા હતા. રોહિત વરિયા કહે છે, અમે નીકળ્યા ત્યારે ઘણા લોકોને આશંકા હતી કે અમારો પ્રવાસ પૂરો થશે કે કેમ પરંતુ અમને અમારામાં અથાગ આત્મવિશ્વાસ સાથે શિવજી પર શ્રદ્ધા હતી. તેના કારણે અમારી આ યાત્રા અમે સફળતા પૂર્વક પૂરી કરી શક્યા છીએ.
સૌથી વધુ કઠિન રસ્તા આ યુવાનોને યમુનોત્રીનો લાગ્યો હતો ત્યાં સૌથી વધુ મુશ્કેલી પડી હતી પરંતુ ભગવાન પરની શ્રદ્ધાના કારણે અમે ડગ્યા ન હતા. ચારધામની યાત્રા દરમિયાન રસ્તા માટે ગુગલનો ઉપયોગ કર્યો છે પરંતુ તેના કરતાં પણ વધુ સારી રીતે રસ્તો સ્થાનિકોએ રસ્તો બતાવ્યો હતો. ગુજરાત અને સુરતથી સાયકલ પર ચાર ધામ યાત્રા આવ્યા તે જાણીને સ્થાનિકો દ્વારા ઘણી મદદ કરવામાં આવતી હતી અને તેમનો ભોજન પણ સારી રીતે આપવામા આવતું હતું.
ગઈકાલે આ યુવાનો સુરત આવ્યા ત્યારે કતારગામ કંતારેશ્વર મંદિરે ધૂમ ધામ થી સ્વાગત કરી બંને યુવાનોને ઘોડા પર બેસાડી સામૈયા કરવામાં આવ્યા હતા. બન્ને યુવાનોએ સુરતથી સાયકલ પર 2500 કી.મીનું અંતર કાપી અને ઉત્સાહ પૂર્વક ચારધામ યાત્રા પૂરી કરી હતી આ બન્નેના સાહસની જાણકારી થતાં બધી તરફથી આ યુવાનોનું સ્વાગત થઈ રહ્યું છે.