– અવધ માર્કેટમાં દુકાન અને વરાછામાં ગોડાઉન ધરાવતા વેપારી સાથે ઠગાઈ : મોટા વરાછામાં રાધે ફેશનના નામે ભાગીદારીમાં વેપાર કરતા ત્રણેય વેપારીએ માલ ખરીદી સમસયર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો
– બાદમાં મોટાપાયે માલ જોઈએ છે તેમ કહી રૂ.76.94 લાખનો માલ ખરીદી રૂ.23.20 લાખનું પેમેન્ટ કરી અને રૂ.18.72 લાખનો માલ રિટર્ન કરી બાકી પેમેન્ટ કરવાને બદલે સુરતમાં ધંધો કરવા લાયક છોડીશું નહીં તેવી ધમકી આપી હતી
સુરત, : સુરતના અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન અને વરાછા વૃંદાવન એસ્ટેટમાં ગોડાઉન ધરાવતા વેપારી પાસેથી લહેંગા સાડીનો માલ ખરીદી મોટા વરાછામાં રાધે ફેશનના નામે દુકાન ધરાવતા ત્રણ વેપારીએ બાકી પેમેન્ટ રૂ.35 લાખ નહીં કરી સુરતમાં ધંધો કરવા લાયક છોડીશું નહીં તેવી ધમકી આપતા વરાછા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉત્રાણ મોટા વરાછા ડીમાર્ટ પાસે ભવાની હાઈટસ ડી-901 માં રહેતા 23 વર્ષીય અર્શિતભાઈ પરેશભાઈ ધામેલીયા પુણાગામ બોમ્બે માર્કેટની સામે અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં મોમાઈ સિલ્કના નામે સાડી અને લહેંગાનો વેપાર કરે છે.તેમનું વરાછા અશ્વનીકુમાર રોડ જગદંબા મિલ પાસે વૃંદાવન એસ્ટેટમાં ગોડાઉન પણ આવેલું છે અને ત્યાં તેમનો ભાગીદાર મીત ધામેલીયા બેસે છે.દોઢ વર્ષ અગાઉ હિરેન વિનોદભાઇ કથીરીયા, મોહીત જયસુખભાઇ દુધાત અને રૂપિલ ચંદ્રેશભાઇ ધાનાણી તેમના ગોડાઉન ઉપર આવ્યા હતા અને રાધે ફેશનના નામે ભાગીદારીમાં વેપાર કરીએ છીએ અને ઓનલાઈન વેચાણનું પણ કામ કરીએ છીએ તેથી લહેંગા અને સાડીનો માલ જોઈએ છે તેમ કહી ટુકડે ટુકડે માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ પણ સમયસર કર્યું હતું.
ત્યાર બાદ ત્રણેયે મોટાપાયે માલ જોઈએ છે તેમ કહી ખરીદી કરતા અર્શિતભાઈએ તેમને 1 જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન કુલ રૂ.76,94,440 નો માલ તેમની મોટા વરાછા ગ્રીન પ્લાઝા સ્થિત દુકાને તેમજ મોટા વરાછા હંસ સોસાયટીની પાછળ અંજની રો હાઉસમાં આપ્યો હતો.ત્રણેયે તેમાંથી રૂ.18,72,120 નો માલ રિટર્ન કરી રૂ.23,19,800 નું પેમેન્ટ કર્યું હતું.જયારે બાકી પેમેન્ટ રૂ.35,02,520 માટે અર્શિતભાઈએ ઉઘરાણી કરી ત્યારે ત્રણેયે તારાથી થાય તે કરી લે અમારે તને કોઈ પેમેન્ટ આપવાનું થતું નથી.ઓફિસે ઉઘરાણી કરવા આવવું નહીં, આવશે તો સુરતમાં ધંધો કરવા લાયક છોડીશું નહીં અને જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી હતી.બાદમાં ત્રણેયે ફોન ઉપડવાનું બંધ કરી તેમની ગ્રીન પ્લાઝાની દુકાન પણ બંધ કરી દીધી હતી.
આથી છેવટે અર્શિતભાઈએ ગતરોજ ત્રણેય વેપારી રૂપિલ ચંદ્રેશભાઇ ધાનાણી ( રહે.ડી-703, સહજાનંદ હાઇટસ, કાના રાસવેલીની સામે, મહારાજા ફાર્મ રોડ, મોટા વરાછા, ઉત્રાણ, સુરત ), હિરેન વિનોદભાઇ કથીરીયા ( રહે.સી/4-101, શીવધારા રેસીડેન્સી, ડીમાર્ટ રોડ, મોટા વરાછા, ઉત્રાણ, સુરત ) અને મોહીત જયસુખભાઇ દુધાત ( રહે.ઘર નં.એ-1/203, બાલાજી રેસીડેન્સી, કિરણચોક, યોગીચોક, સરથાણા, સુરત ) વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.