Haris Rauf Issues Clarification after Viral Video: પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફનો 18 જૂને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે એક ફેન સાથે ઝઘડતો જોવા મળ્યો હતો. તેમજ તે ફેનને મારવા તેના તરફ દોડ્યો પણ હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ બંને વચ્ચે ઝપાઝપી થવા દીધી ન હતી. વીડિયો વાઈરલ થયા બાદ હવે હારિસ રઉફે જવાબ આપ્યો છે કે, ‘જો ફેન્સ મારા પરિવાર અને મારા માતા-પિતા વિષે કઈ પણ ટિપ્પણી કરશે તો હું આ જ રીતે જવાબ આપીશ.’

હારિસ રઉફે વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરી 

ફેન સાથે ઝઘડાનો વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાનના બોલર હારિસ રઉફે X પર પોસ્ટ કરીને તેની સ્પષ્ટતા આપી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું આ મુદ્દો સોશિયલ મીડિયા પર લાવવા માંગતો ન હતો. પરંતુ હવે જ્યારે વીડિયો વાયરલ થયો છે ત્યારે હું આ બાબતે મારો પક્ષ રજૂ કરવું જરૂરી સમજુ છું. પબ્લિક ફિગર હોવાથી અમે તમામ પ્રકારના ફીડબેકનો સામનો કરવા માટે તૈયાર રહીએ છીએ. ફેન્સને અમને સપોર્ટ કરવાની તેમજ અમારી ટીકા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ જ્યારે મારા પરિવાર અને મારા માતા-પિતાની વાત આવે છે, ત્યારે હું તેનો જવાબ આપવામાં પીછેહઠ કરીશ નહી.’

આ ઉપરાંત હારિસ રઉફે એવું પણ કહ્યું કે, ‘ફેન્સ માટે લોકો અને તેમના પરિવારો પ્રત્યે સન્માન દર્શાવવું મહત્વપૂર્ણ છે, પછી ભલે તેમનો વ્યવસાય કોઈ પણ હોય.’

વાયરલ વીડિયોમાં શું હતું?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હારિસ રઉફ તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેનો એક ફેન સાથે ઝઘડો થઇ જાય છે. ઝગડાની શરૂઆત કેમ થઈ અને મામલો મારામારી સુધી કેમ પહોંચ્યો તે બાબત સ્પષ્ટ થઈ ન હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હારિસ અચાનક તેની પત્નીનો હાથ છોડે છે અને ફેન મારવા માટે તેની તરફ દોડે છે પરંતુ લોકો તેને રોકી લે છે. 

હારિસ રઉફ જેની સાથે ઝઘડો કરે છે તે ફેનને એવું કહેતા સાંભળી શકાય છે કે, ‘એક ફોટો માંગુ છે, ફેન છું તમારો એટલ એક ફોટો માંગું છું.’ આ પછી બંને વચ્ચે દલીલબાજી થતી જોવા મળે છે. ત્યારબાદ  હારિસ પાછો આવે છે અને ફેનને કહે છે કે, ‘આ તમારું ભારત નથી.’ જવાબમાં ફેન તેને કહે છે કે, ‘હું પાકિસ્તાનનો જ છું’. આ પછી હારિસ ફેનને કહે છે, ‘આ તમારી આદત છે.’ 

T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદથી પાકિસ્તાની ટીમ અને તેના ખેલાડીઓ સતત વિવાદોમાં ફસાઈ રહ્યા છે. એટલું જ નહીં, કોચ ગેરી કર્સ્ટન દ્વારા બંધ બારણે બોલાયેલી કેટલીક વાતો પણ મીડિયામાં લીક થઈ હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *