Surat News : સુરતમાં ઘર વિહોણા અને ઝુંપડામાં રહેતા બાળકોને અક્ષરજ્ઞાન આપવા સાથે-સાથે તેમને સ્કૂલ દરવાજા સુધી લઈ જઈ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટેની કામગીરી એક સેવાભાવી મહિલા કરી રહી છે. આ મહિલાની ધગશને કારણે કતારગામ વિસ્તારમાં ગત વર્ષે 12 વિદ્યાર્થીઓને પાલિકાની સ્કૂલમાં પ્રવેશ આપવામા આવ્યો હતો. ત્યાર બાદ એક વર્ષમાં ઝુંપડામાં રહેતા અન્ય બાળકો અને તેમના વાલીઓને મળીને વધુ 12 વિદ્યાર્થીઓને પાલિકાની શાળામાં પ્રવેશ આપવામા આવશે. ઝુપડપટ્ટીના બાળકોને અક્ષરજ્ઞાન આપી સ્કૂલમાં એડમીશન માટેનો અનોખો સેવા યજ્ઞના કારણે અન્ય વિસ્તારમાં પણ આવા બાળકોને સ્કૂલમાં એડમીશન માટે પ્રયાસ થઈ રહ્યાં છે.
ગત વર્ષે સુરત શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને પોલીસની અનોખી પહેલ કરી હતી. જેમાં સુરતમાં ઘર વિહોણા 95 જેટલા બાળકોને પાલિકાની સ્કુલમાં અક્ષરજ્ઞાન માટે એડમિશન આપવામાં આવ્યું હતું. આ સાથે કતારગામ વિસ્તારમાં રહેતા એક સેવાભાવી મહિલા જે કતારગામ અને કોઝવે રોડ પર રહેતા બાળકોને ભેગા કરીને શિક્ષણ આપી રહ્યાં છે. પીનલ પટેલ નામની મહિલા ઝુંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાની કામગીરી કરી રહ્યાં છે તેઓએ ગત વર્ષે આવા 12 બાળકોને પાલિકાની શાળામાં એડમીશન માટેની કામગીરી કરી હતી તેમા સફળતા મળી હતી. ગત વર્ષે તેઓએ એડમીશન અપાવ્યા તેવા 12 બાળકો હજી પણ અભ્યાસ કરી રહ્યાં છે.
ગત વર્ષ બાદ આ વર્ષે પણ પીનલ પટેલે જેમની પાસે જન્મના પુરાવા નથી અને અન્ય પુરાવા નથી અને બાળકો ભણીને આગળ વધી શકે છે તેવા બાળકોને શોધીને તેમને બનાવેલા બે સેન્ટર પર અભ્યાસ કરાવ્યો હતો અને આ જગ્યાએ સ્કૂલ જેવું વાતાવરણ ઉભું કરીને સ્કૂલમાં અભ્યાસ કરે છે તેવો માહોલ ઉભો કર્યો હતો. ત્યારબાદ વધુ 12 બાળકો એવા તૈયાર કર્યા છે તેઓ પાલિકાની સ્કુલમાં અભ્યાસ માટે તૈયાર થયાં છે. તેઓ કહે છે, ઘર વિહોણા લોકો હોય છે તેવા સાથે ઘણા બાળકો હોય છે આવા બાળકોને પણ શિક્ષણ મેળવવાનો હક્ક છે. દરેકને શિક્ષણ મળવું જોઈએ તે માટે ઝુંપડાના બાળકો માટે તેઓ કામગીરી કરી રહ્યાં છે. આ કામગીરી દરમિયાન સ્કુલમાં અભ્યાસ કરી શકે તેવા 12 બાળકો એવા હતા કે જે સ્કૂલમાં અભ્યાસ કરવા માટે લાયક છે તેઓને સ્કુલમાં અભ્યાસ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે આ બાળકોને શાળામાં પ્રવેશ માટેની કામગીરી કરવામા આવશે. તેમના આ પ્રયાસમાં શિક્ષણ સમિતિ દ્વારા પણ ઘણો સહકાર મળી રહ્યો છે. જેના કારણે ઘર વિહોણા અનેક બાળકો અક્ષર જ્ઞાનથી વંચિત નહીં રહી જાય તે નક્કી છે.