Surat News : સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ભાજપ સમર્થક સંચાલકની સ્કુલમાં પાલિકાએ કરેલું સીલ તોડી નાખવા ઉપરાંત ગેરકાયદે બાંધકામની ફરિયાદ થઈ હતી. આ અંગે વિવાદ મોટો થતાં આજે રજાના દિવસે પાલિકાના લિંબાયત ઝોને સ્કૂલમાં થયેલા ગેરકાયદે બાંધકામ દુર કરી દીધું હતું તે ચર્ચાનો વિષય બન્યો હતો. 

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં છત્રપતિ નગર ખાતે ઈન્દીરા ગાંધી વિદ્યાલય આવ્યું છે. આ ખાનગી શાળામાં આશરે 1500 કરતા વધુ સ્થાનિક શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં રાજકોટ ખાતે ગેમઝોન દુર્ઘટના ત્યારબાદ સુરત પાલિકા દ્વારા પણ સુરત શહેરમાં ફાયર એન.ઓ.સી. અને બીયુ પરમીશન ન હોય તેવી મિલ્કતો સીલ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન આ શાળાની બીયુ પરમીશન ન હોવાના કારણે 28મે ના રોજ શાળા સીલ કરવામાં આવી હતી. જોકે, શાળા સંચાલક ભાજપ સાથે સંકળાયેલા હોય આ ગેરકાયદે બાંધકામ કે સીલ તોડી નાખવા સામે કોઈ કાર્યવાહી થતી ન હતી. ગઈકાલે પાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાલાએ મ્યુનિ. કમિશનરને સીધો પત્ર લખી આ ગેરકાયદે બાંધકામને કારણે શાળામાં અભ્યાસ કરતાં 1500થી વધુ વિદ્યાર્થીઓના જીવ પર જોખમ છે તેવી રજૂઆત કરી હતી. 

આ ફરિયાદ બાદ આજે જાહેર રજાના દિવસે પણ પાલિકાના લિંબાયત ઝોનના સ્ટાફ દ્વારા ભાજપ સમર્થક સંચાલકની ઈન્દિરા ગાંધી શાળાના ત્રીજા માળનું ગેરકાયદેસર બાંધકામનું ડીમોલેશન સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવ્યું. તે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *