– આંતરરાષ્ટ્રીય સંશોધનથી ડાયસન સ્ફિયરની જૂની થિયરી વિશે નવી સ્પષ્ટતા મળી
– બ્રિટનના ભૌતિકશાસ્ત્રી ફ્રીમેન જ્હોન ડાયસને ૧૯૬૦માં એવી કાલ્પનિક થિયરી રજૂ કરી હતી કે અંતરિક્ષમાં એલિયન્સના જૂથે પોતાની ઉર્જાની જરૂરિયાત માટે સાત તારાનું માળખું બનાવ્યું છે
વોશિંગ્ટન/મુંબઇ: વિશ્વના ખગોળશાસ્ત્રીઓની ટીમે આપણી મિલ્કી વે ગેલેક્સી(જેને મંદાકિની કહેવાય છે)માં સાત અતિ વિરાટકાય તારા(સ્ટાર્સ) શોધ્યા છે.આ સાતેય તારા આપણા સૂર્યના કદ કરતાં ઘણા ઘણા વિરાટ છે. આ સંશોધનનો મહત્વનો મુદ્દો એ છે કે આ સાતેય વિરાટ તારાને ડાયસન સ્ફિયર કહેવાય છે. સરળ રીતે સમજીએ તો આ ડાયસન સ્ફિયરને ખગોળશાસ્ત્રીઓ જાયજેન્ટિક એલિયન સ્ટ્રક્ચર(સાવ જ અજાણ્યા તારા, જેના વિશે ખગોળ શાસ્ત્રીઓને બહુ નક્કર માહિતી નથી) કહે છે.
હમણાં થયેલા સંશોધનમાં એવી મહત્વની સ્પષ્ટતા થઇ છે કે ખરેખર તો આ સાત તારા અફાટ અંતરિક્ષના હોટ ડોગ્ઝ છે. સરળ રીતે સમજીએ તો આ સાત તારા જાણે કે વિરાટ કદના ચળકતા અને રેડિયેશન (કિરણોત્સર્ગ) ફેંકતા ગોળા હોય તેવું લાગે છે. વિશેષ કાંઇ જ નથી.
આ સાત તારા પૃથ્વીથી ૧,૦૦૦ પ્રકાશ વર્ષ જેટલા અતિ અતિ દૂરના અંતરે છે. વળી, આ તમામ સાત તારામાંથી વિપુલ માત્રામાં રેડિયેશન પણ બહાર ફેંકાય છે.
૨૦૨૪ના પ્રારંભમાં ખગોળ શાસ્ત્રીઓના એક જૂથે ૫૦ લાખ તારાનું વિશિષ્ટ કહી શકાય તેવું સર્વેક્ષણ કર્યું છે.આ સર્વેક્ષણનો હેતુ પોતાનામાંથી વિપુલ માત્રામાં રેડિયેશન ફેંકતા તારા શોધવાનો હતો. આવા સ્ટાર્સમાંથી ફેંકાતા રેડિયેશનના સિગ્નલ્સ એટલે કે ડાયસન સ્ફિયર એવું અર્થઘટન પણ કરી શકાય.
૧૯૬૦માં બ્રિટીશ-અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ફ્રીમેન જ્હોન ડાયસને એવી કાલ્પનિક થિયરી વહેતી હતી કે કરી કે અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં વસતા એલિયન્સ(જેને પરગ્રહવાસી કહીએ છીએ)ના જૂથે પોતાની ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે આવા મહાકાય અને ભારે ઉર્જાવાન સાત તારાનું એક વિશેષ માળખું બનાવ્યું છે. આ સાતેય તારા ફરતે એક ખાસ પ્રકારનું કવચ બનાવ્યું છે આ કવચ બ્રહ્માંડમાંના બીજા મોટા તારામાંથી પ્રકાશ અને ઉર્જા બંને પોતાના ભણી ખેંચે છે. પોતાનામાં સમાવી લે છે. આ કવચ બનાવવા માટેનો પદાર્થ કે સામગ્રી એ જ તારા સમુહમાંના ગ્રહોમાંથી મળે છે.
સાત તારાના આ વિશાળકાય માળખાને-ડાયસન સ્ફિયર- કહેવાય છે.
વાત તો એવી પણ છે કે એલિયન સિવિલાઇઝેશન(પરગ્રહવાસીઓની સંસ્કૃતિ કે ખાસ પ્રકારની પરંપરા) આ ડાયસન સ્ફિયરનો ઉપયોગ પોતાના માટે જરૂરી સૌર ઉર્જા મેળવવા માટે કરતા હોય તે શક્ય છે.આશ્ચર્યની બાબત તો એ છે કે આ સૌર ઉર્જો પૃથ્વી પર મળતી સૌર ઉર્જાની સરખામણીએ લાખો -કરોડો ગણી વધુ હોવાની પણ સંભાવના છે. હવે ડાયસન સ્ફિયર અન્ય તારામાંથી ભરપૂર પ્રકાશ અને ઉર્જા ખેંચતું હોય તો તેમાંથી વિપુલ માત્રામાં ગરમી પણ બહાર ફેંકાતી હોય.
બીજીબાજુ હમણાં થયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધન દ્વારા એવી નવી અને રસપ્રદ વિગતો જાણવા મળી છે કે ખરેખર તો આ સાત તારામાંના ત્રણ તારા તો જરા વિશિષ્ટ લક્ષણોવાળી ગેલેક્સી નજીક છે. આ વિશિષ્ટ લક્ષણોવાળી ગેલેક્સીને ખગોળશાસ્ત્રીઓ હોટ ડોગ ગેલેક્સી કહે છે.
વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો. જે. જે. રાવલે તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું હતું કે હોટ ડોગ સ્ટાર એટલે જે તારા ફરતે ધૂળનાં મોટાં વાદળાં, વિદ્યુતભારવાહી પદાર્થકણો, અતિ અતિ ઉકળતું તાપમાન, પ્રકાશનો તેજપુંજ ઝળહળતો હોય, વિપુલમાત્રામાં રેડિયેશન બહાર ફેંકાતું હોય તેવા તારાને હોટ ડોગ્ઝ કહેવાય છે.સરળ રીતે સમજીએ તો આવા ડોટ ડોગ્ઝ અંતરિક્ષમાં ઝળહળતા વિરાટકાય ગોળા કે દડા જેવા લાગે.પૃથ્વી પરથી જોઇએ તો આવા તારાનું ઝૂમખું કોઇ ગેલેક્સી જેવું પણ લાગે. ખગોળશાસ્ત્રીઓને આવા તારા વિશે બહુ વધુ જાણકારી નહીં હોવાથી કે અજાણ્યા હોવાથી તે તારાને એલિયન સ્ટાર્સ પણ કહે છે.
મહત્વનો મુદ્દો એ છે કે આ નવા સંશોધન દ્વારા ફ્રીમેન જ્હોન ડાયસનની –ડાયસન સ્ફિયર– થિયરી વિશે નવી અને વધુ સચોટ માહિતી જાણવા મળી છે.
આમ છતાં આ સંશોધન દ્વારા અફાટ અંતરિક્ષમાં એલિયન્સ દ્વારા વધુ આધુનિક સંસ્કૃતિ કે પરંપરાનો વિકાસ થયો હોવા વિશે કોઇ જ સમર્થન નથી થતું. અથવા તો આપણી પૃથ્વી બહાર અત્યંત પ્રતિભાશાળી કે બુદ્ધિશાળી જીવની કે સંસ્કૃતિની શોધમાં મદદરૂપ પણ નથી થતું. હા, આપણું અનંત બ્રહ્માંડ કેવું અજીબોગરીબ, રહસ્યમય, આશ્ચર્યાથી ભરેલું છે તેની આછેરી જાણકારી મળે છે.