સાઉદીમાં તાપમાન ૪૮ ડીગ્રી સુધી થવાની શક્યતા

તમામ મૃતકો જોર્ડનના નાગરિક,  હજ યાત્રાળુઓને છત્રી રાખવાની અને હાઈડ્રેટેડ રહેવાની સલાહ

રિયાધ: આ વર્ષે હજ દરમ્યાન તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સાઉદી અધિકારીઓની ચેતવણી વચ્ચે  મક્કામાં ભીષણ ગરમીને કારણે અત્યાર સુધીમાં છ હજ યાત્રીઓના મોત થયા છે. તમામ ૬ મૃતકો જોર્ડનના નાગરિક હોવાની અને જેદ્દાહમાં સાઉદી સત્તાવાળાઓ સાથે દફનવિધિ અને તેમના મૃતદેહને જોર્ડન પરત લાવવાની શક્યતા બાબતે સંકલન કરાઈ રહ્યું હોવાની માહિતી જોર્ડનના વિદેશ મંત્રાલયે આપી હતી.  શનિવારના રોજ હજ યાત્રાની મુખ્ય ઘટના ગણાતી અરાફાત પર્વત પર શ્રદ્ધાળુઓ એકઠા થયા ત્યારે આ મૃત્યુના સમાચાર આવ્યા. 

જોર્ડને અગાઉ જણાવ્યું હતું કે આ વર્ષે તેના સત્તાવાર ડેલિગેશનમાં ચાર હજારથી વધુ યાત્રાળુઓ હતા. જો કે પછી વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે છ મૃતકો સત્તાવાર ડેલિગેશનનો હિસ્સો નહોતા અને તેમની પાસે યાત્રા કરવા માન્ય હજ લાયસન્સ નહોતું.

આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અલ-અબ્દુલઅલીના જણાવ્યા અનુસાર, હજ અધિકારીઓએ લોકોને છત્રી સાથે રાખવાની અને ભારે ગરમીમાં સમયાંતરે પાણી પીતા રહેવાની સલાહ આપી છે.

સાઉદી સૈન્યએ ખાસ હીટસ્ટ્રોક માટે મેડિકલ યુનિટો સાથે ૧,૬૦૦ કર્મચારીઓ અને ૩૦ રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરી છે. વધુ પાંચ હજાર આરોગ્ય અને પ્રાથમિક સારવાર સ્વયંસેવકો ભાગ પણ ભાગ લઈ રહ્યા છે.સાઉદી જનરલ ઓથોરિટી ફોર સ્ટેટિસ્ટિક્સ અનુસાર, આ વર્ષે ૧૮ લાખથી વધુ લોકો હજમાં ભાગ લઈ રહ્યા છે. હજ એ વિશ્વના સૌથી મોટા ધામક યાત્રાધામોમાંનું એક છે. સાઉદી અરેબિયામાં યોજાતો આ સૌથી મોટો કાર્યક્રમ છે. તે રમઝાન મહિનો સમાપ્ત થયાના બે મહિના અને ૧૦ દિવસ પછી ધુલ હિજાના ઇસ્લામિક મહિના દરમિયાન થાય છે.

ઇસ્લામિક કેલેન્ડર ચંદ્ર આધારીત હોવાથી તેનું વર્ષ ગ્રેગોરિયન કરતા નાનુ હોય છે જેના કારણે દર વર્ષે હજનો સમય બદલાય છે. આ વર્ષે સાઉદી અરેબિયામાં પાંચ દિવસની હજયાત્રા દરમ્યાન ભારે ગરમી પડવાની સંભાવના છે જેમાં મક્કામાં તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *