પ્રારંભે જ મોસમનો 32.5 ટકા વરસાદ વરસી ગયો : નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતાં પોરબંદરમાં 3  ઇંચ, ભાણવડમાં અઢી ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ, લીલિયા તથા બાબરામાં અડધો ઇંચ વરસાદ

 રાજકોટ, : રાજ્યમાં ચોમાસું વહેલું આવ્યા બાદ નિષ્ક્રિય બની ગયું હતું. પરંતુ આજથી ફરી નૈઋત્યનું ચોમાસું સક્રિય બની ગયું હોય તેમ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારમાં દે ધનાધન વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લાનો ખંભાળિયા પંથક પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર બની ગયો હતો. ખંભાળિયામાં ૬ કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા ખંભાળિયામાં પહેલા વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો હતો. પોરબંદરમાં 3 ઇંચ વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં અઢી ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ જ્યારે લીલિયા, બાબરામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી, કુતિયાણામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડયા હતાં.

મેઘરાજાએ ખંભાળિયા તાલુકામાં જાણે મુકામ કર્યો હોય તેમ આજે બપોરે એકાદ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોરે પાંચેક વાગ્યા સુધી અવિરત રીતે વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બપોરે 2 થી 4 દરમિયાન મુશળધાર 5 ઈંચ વરસાદ એક સાથે વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ પછી પણ વધુ 2 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આમ, ગતરાત્રીથી ઓળઘોળ થયેલા મેઘરાજાએ પાંચેક વાગ્યા સુધીમાં ધોધમાર કુલ 10 ઈંચ પાણી વરસાવી દીધું હતું.

ધોધમાર વરસાદના પગલે અહીંના નગર ગેઈટ, સલાયા ગેઈટ, ગોવિંદ તળાવ, વિગેરે નીચાણવાળા વાળા વિસ્તારોમાં ગોઠણ સમા પાણી વહ્યા હતા. ભારે વરસાદના પગલે નાના જળોતોમાં જાણે ઘોડાપૂર જેવા પાણી આવ્યા હતા. ખંભાળિયા – દ્વારકા માર્ગ પરના બારા, વડત્રા વિગેરે ગામોમાં ચાર ઈંચ સુધી વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમદળ, ઝાકસીયા, સામોર સહિતના ગામોમાં પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ ગઈ હતી. આ સાથે ખંભાળિયા – ભાણવડ માર્ગ પરના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના વાવડ છે. જો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં છૂટા છવાયા ઝાપટા જ વરસ્યા છે અને નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ નથી. આજે નોંધાયેલા વરસાદથી ખંભાળિયા પંથકમાં મોસમનો કુલ 32.5 ટકા પડી ગયો છે.  વરસાદના પગલે થોડો સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ પછી ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. આજે આખો દિવસ સૂર્યનારાયણના દર્શન થયા ન હતા.

આજે રવિવારે રજાના મુશળધાર અને પ્રથમ વરસાદમાં નાહવાની મોજ માણવા અબાલ-વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળ્યા હતા. ભાણવડમાં પણ અઢી ઇંચ વરસાદ પડી જતાં સર્વત્ર પાણી-પાણી થઇ પડયું હતું. જ્યારે સલાયામાં વરસાદના પગલે વીજળી ગુલ થતાં લોકો હેરાન થયા હતાં.

પોરબંદર શહેરમાં મોસમનો પહેલો જ વરસાદ રવિવારે સવારે 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યાં જ નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ છે અને શહેરમાં ઠેર ઠેર રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા છે. પોરબંદર શહેરના મુખ્ય એમ.જી રોડ ઉપર ખાદી ભવન ચોક પાસે સુદામા ચોક નજીક તેમજ જુના ફુવારા થી પેરેડાઇઝ ફવારા તરફ જતા રસ્તે અને જુના ફુવારાથી કમલાબાગ તરફ જતા રસ્તે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા એ જ રીતે ખીજડી પ્લોટ થી છાયાચોકી તરફ જતા રસ્તે પણ અડધોથી એક ફટ પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે પરેશાની નો સામનો કરવો પડયો હતો અને અનેક મોપેડ બંધ પડી ગયા હતા ધક્કા મારી મારીને વાહનચાલકો ચાલુ કરતાં નજરે પડયા હતા. પોરબંદર નગરપાલિકાના તંત્રની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. પોરબંદર નજીકના રાણાવાવમાં પણ સવારે ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજુબાજુમાં ગ્રામ્યપંથકમાં પણ દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યાના વાવડ છે.જ્યારે કુતિયાણામાં પણ વરસાદીદ ઝાપટા પડયા હતાં. પોરબંદરના બરડાપંથકના ગામડાઓ ફટાણા, સોઢાણા, અડવાણા, બગવદર, શીશલી, મજીવાણા, નટવર, ભારવાડા સહિતના વિસ્તારોમાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસતા ખેડુતો વાવણીના કાર્યમાં જોડાયા છે.આમ પોરબંદર શહેર અને જિલ્લામાં મોસમનો પહેલો જ વરસાદ ૩ ઇંચ જેટલો વરસતા ખુશીની લાગણી જોવા મળી છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે લીલિયા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડવાને કારણે નિચાણવાળી બજારમાં વરસાદી પાણી વહેતા થયા હતા તો આસપાસના નાના કણકોટ, નાના રાજકોટ, હાથીગઢ, ભોરિંગડા, કુટાણા, વાઘણીયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. વરસાદને કારણે ભોરિગડા ગામની સ્થાનિક નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. તો વડિયા-કુંકાવાવ સહિતના વિસ્તારોમાં પણ ક્યાંક ધીમીધારે હળવો વરસાદ તો ક્યાંક ઝાપટું પડયું હતું. કુંકાવાવ, લુણીધાર, રાંઢીયા, માલવણ, જીથુડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડયા હતો. જીથુડીમાં 1 કલાકમાં 1 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો. ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા તો બાબરા પંથકમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢમાં આજે હવામાનમાં પલટો આવવા સાથે વહેલી સવારે ભવનાથ વિસ્તારમાં હળવું ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બપોર બાદ શહેરના કાળવા ચોક, મોતીબાગ,  ટીંબાવાડી, મધુરમ, જોશીપરા, દોલતપરા, સાબલપુર ચોકડી સહિતના વિસ્તારોમાં ઝાપટાં વરસી જતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.  જ્યારે માણાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારો તેમજ માંગરોળ અને તાલુકાના ભાટ અને કેશોદ સહિતના ગામડાઓમાં હળવા ઝાપટાં પડયાના અહેવાલ છે. જિલ્લા ફ્લડ કંટ્રોલમાં માણાવદરમાં ત્રણ મિમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ તાલુકાના ચોકલી, ડેરવાણ, વડાલ, ચોકી, કાથરોટા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લાના જામજોધપુરમાં વરસાદી ઝાપટું પડયું હતું. જ્યારે મોરબી ઉપરાંત પડધરી, વિંછીયામાં સાંજે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાયા હતા અને હળવો વરસાદ વરસ્યો હતો. ગોંડલના વાસાવડમાં પણ વરસાદ પડયો હતો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *