આરોપીઓનાં લોકેશન નહીં મળતા હોવાનું પોલીસનું રટણ સામાન્ય અને વગદારો માટેના નિયમો અલગ-અલગ, દૂષ્કર્મના અન્ય કિસ્સાઓમાં પોલીસ તત્કાળ આરોપીને હસ્તગત કરે છે
રાજકોટ, : ઉપલેટાના ખીરસરા (ઘેટીયા) ગામે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળના ધરમસ્વરૂપદાસ સ્વામીએ રાજકોટમાં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી 30 વર્ષની યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે લગ્નનું નાટક કરી, અવાર-નવાર તેને હવસનો શિકાર બનાવી, ગર્ભવતિ બનાવ્યા બાદ, ગર્ભપાત કરાવ્યાનો ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં નારાયણસ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયાએ મદદગારી કર્યાનો આરોપ મુકાયો છે.
સામાન્ય રીતે દૂષ્કર્મના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ નોંધે તે સાથે જ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા બાદ વીધિવત ધરપકડ કરે છે. જેને કારણે દૂષ્કર્મના મોટાભાગના કેસમાં આરોપીઓની ફરિયાદ નોંધાય તે સાથે જ ધરપકડ થઈ જાય છે. પરંતુ આ કિસ્સામાં પોલીસે તેમ કર્યું નથી અને હવે ત્રણેય આરોપીઓ ભાગી ગયાનું રટણ શરૂ કર્યું છે.
તે સાથે જ ફરીથી વગદારો અને સામાન્ય લોકો માટે નિયમો અલગ-અલગ હોવાના આરોપોને બળ મળ્યું છે. તપાસ કરતી પોલીસે જણાવ્યું કે ગઈકાલે અને આજે ખીરસરાના ગુરૂકુળમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ આરોપીઓ બહારગામ જતા રહ્યાનું કહેવાયું છે. આરોપીઓના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ મળી રહ્યા છે. જેને કારણે આરોપીઓના કોઈ લોકેશન મળતા નથી.
તત્કાળ આરોપીઓની ધરપકડ નહીં થવા બાબતે ઉપરી પોલીસ અધિકારીઓએ એવો બચાવ કર્યો હતો કે આ કિસ્સામાં જે આક્ષેપો થયા છે તે ત્રણ-ચાર વર્ષ જૂના છે. જેથી પોલીસ હાલ તે સંબંધેના પુરાવા મેળવવાના પ્રયાસ કરી રહી છે. સાથો-સાથ આરોપીઓની ધરપકડ માટે પણ પ્રયાસો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકો સામે નોંધાતી ફરિયાદોમાં કરાયેલા આક્ષેપો ભલે જૂના હોય તો પણ પોલીસ તે આક્ષેપોની તપાસ અને તે અંગેના પુરાવા મેળવવા બેસી રહેવાને બદલે તત્કાળ આરોપીની ધરપકડ કરે છે. જયારે વગદારો સામે ફરિયાદો નોંધાય ત્યારે જ પોલીસને એફઆઈઆરના આક્ષેપોની તપાસ અને તે સંબંધેના પુરાવાઓ મેળવવાની વાત યાદ આવે છે. બાકીના કિસ્સાઓમાં આરોપીઓની તત્કાળ ધરપકડ કરી બાદમાં પુરાવાઓ મેળવવામાં આવે છે !