એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં યુનિવર્સિટી સત્તાધીશોએ બેઠકો ઘટાડી દીધી હોવાના કારણે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાથી ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

ધો.12 પાસ કરનાર તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે આજે એમ.એસ.યુનિવર્સિટીના 100 કરતા વધારે પૂર્વ વિદ્યાર્થીઓ આજે વડોદરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કમાટીબાગ ખાતે ભેગા થયા હતા અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મંગળવારે વાઈસ ચાન્સેલર ડો.વિજયકુમાર શ્રીવાસ્તવને ને મળીને આવેદનપત્ર આપવામાં આવશે. એ પછી પણ જો સત્તાધીશો વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન શરુ કરવામાં આવશે.

પૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યુ  હતુ કે, અત્યાર સુધીના તમામ વાઈસ ચાન્સેલર અને કોમર્સ ડીન્સ વડોદરામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થતા હતા તેમને કોમર્સ ફેકલ્ટીમાં છેવટે પાદરા કોલેજમાં પણ પ્રવેશ આપતા હતા. જેના કારણે ફેકલ્ટીમાં દર વર્ષે 8000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો. ગત વર્ષે કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાય અને વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે  અચાનક જ ફેકલ્ટીમાં ભણાવવા માટે જગ્યા નથીનુ કારણ આપીને માત્ર 5800 બેઠકો પર જ પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરી હતી.જેની સામે વિરોધ પણ થયો હતો. આ બેઠકો પૈકી 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.

આ વખતે પણ 5800 બેઠકો પર જ પ્રવેશ અપાયો છે અને તેમાં પણ વડોદરાના વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડીને 70 ટકા કરી નાંખી છે. સરકારના નામે અને સરકારની આંખમાં ધૂળ નાંખીને વાઈસ ચાન્સેલર તેમજ ફેકલ્ટી ડીને પોતાની જાતે જ આ નિર્ણય લીધો છે. જેના કારણે હવે 70 ટકા લાવનારા વડોદરાના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે ફાંફા મારી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *