અમદાવાદ,શનિવાર
ગીતામંદિર પાસે સોનીના કર્મચારીને માર મારી રૃા. ૮૫ લાખના સોનાની લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચાવી હતી એટલું જ નહી ગુનાની ગંભીરતાથી પોલીસ પણ દોડતી થઇ હતી. હકીકતમાં જીવણવટભરી તપાસ કરતાં ખબર પડી કે ફરિયાદી યુવકે જ તેના મિત્રોની મદદથી લૂંટનું તરકટ રચ્યું હતું અને સોનીના કર્મચારીએ પોતે જ લૂંટનો કારસોઘડીને લૂંટ થઇ હોવાનું પ્રસ્થાપિત કર્યું હતું. પોલીસે તપાસ કરતાં સીસીટીવીના દ્વશ્યોથી લૂંટની ઘટના ઉપજાવી કાઢી હોવાનું સાહિત થયું હતું. પોલીસે આ ઘટનામાં પોલીસ પુત્ર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
પેટ્રોલ પંપ ઉપર જ મિત્રો સાથે વાર્તાલાપ કરતા સીસીટીવીના દ્વશ્યોએ અસલી ભાંડો ફોડયો ઃ પોલીસ પુત્ર સહિત ત્રણ ઝડપાયા
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એસ.એ.પટેલના જણાવ્યા મુજબ જમાલપુર વિસ્તારમાં આવેલા જ્વેલર્સના ત્યાં નોકરી કરતો યુવક આજે બપોરે તેનું એક્ટિવા લઇને માણેકચોક ખાતે વેપારીના ત્યાં સોનું ખરીદવા માટે ગયો હતો. બપોરે ૪ વાગે તે વાહન લઇને ગીતામંદિરથી આરોગ્ય ભવન પાસેથી પસાર થતો હતો. આ સમયે પાછળથી બાઇક ઉપર આવેલા બે શખ્સો યુવકના એક્ટિવાને ધક્કો મારતાં તે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં તે નીચે પડી ગયો હતો આ સમયે લૂંટારુઓ તેના એક્ટિવા આગળ ભરાવેલી રૃા. ૮૫ લાખના એક કિલો સોનાની બેગ લૂંટીને આરોપીઓ નાસી ગયા હતા.
આ બનાવની ગંભીરતા ધ્યાને લઇને પોલીસ ટીમો રવાના કરી હતી ફરિયાદીને સાથે રાખીને સ્થળ ઉપર તપાસ કરતાં અને જ્યાં લૂંટ થઇ હોવાની વાત કરી હતી ત્યાં આસપાસના લોકોની પૂછપરછ કરતાં આવી કોઇ ઘટના અહિયા નહી બની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદી યુવક ગીતામંદિર પાસેના આરોગ્ય ભવન ખાતે ગયો જ ન હોવાનું સાબીત થયું હતું. બીજીતરફ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ફરિયાદી યુવક ગીતા મંદિર ખાતેના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવીને પોતાના ત્રણ મિત્રોને બેગ આપતો નજરે પડયો હતો. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડયો હતો પોતે જ લૂંટનું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી.