Nagpur accident | મહારાષ્ટ્રમાં ‘હિટ એન્ડ રન’નો સિલસિલો હજુ પણ યથાવત્ છે. પુણેમાં પોર્શે કાર અકસ્માતની ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે નાગપુરમાં પૂરપાટ ઝડપે કાર દોડાવીને ભીડને કચડવાનો મામલો સામે આવ્યો છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત 

નંદનવન પોલીસ સ્ટેશન હેઠળના વેંકટેશનગર ચોકમાં કે.ડી.કે. કોલેજ પાસે એક સગીર છોકરો બેફામ કાર ચલાવી રહ્યો હતો. અચાનક કાળા રંગની આ કાર બેકાબૂ થઇ ગઈ હતી. અનિયંત્રિત કાર પહેલા રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કેટલાક ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને પછી ફળ-શાકભાજીના વિક્રેતાઓ અને કેટલાક રાહદારીઓની ભીડમાં ઘૂસી ગઈ હતી. ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલી આ કાર આખરે રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈને અટકી ગઈ હતી.

પાંચ લોકો કાર નીચે કચડાયાં

કાર અકસ્માતને કારણે રોડ પર અરાજકતા ફેલાઈ હતી. ફળ અને શાકભાજીના વિક્રેતાઓ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમાં બેની હાલત નાજુક હોવાની માહિતી છે. ત્યાં અનેક વાહનોને મોટું નુકસાન થયાની પણ માહિતી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ સગીરને કારમાંથી બહાર કાઢીને ભયાનક માર માર્યો હતો. તેને મારી મારીને અધમરાં જેવી હાલત કરી નાખી તેને રસ્તા પર ફેંકી દીધો હતો. બાદમાં કેટલાક લોકોએ આરોપી સગીરને ભીડથી બચાવ્યો અને પછી તેને પોલીસને હવાલે કર્યો. 

પોલીસે કરી ધરપકડ 

પોલીસે સગીર અને કાર માલિક મંગેશ ગોમાશેને કસ્ટડીમાં લીધા છે. ગોમાશે એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયો છે. ગોમાશેએ ગેરેજમાં કામ કરતા સગીરને ચાવી આપી હતી. સગીરને તેના માલિકે રસ્તા પર પાર્ક કરેલી કારને ક્યાંક દૂર પાર્ક કરવાનું કહ્યું હતું. પોલીસે સગીરને કાર ચલાવવા માટે દબાણ કરવા બદલ ગેરેજ માલિક મહેશ ગોનાડેની પણ અટકાયત કરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *