સાયબર ફ્રોડથી બચવા ગીર સોમનાથ પોલીસની ટિપ્સ પાંચ મહિનામાં સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના કુલ રૂ 17 લાખથી વધુની રકમ પરત અપાવતી પોલીસ

 વેરાવળ, : 21મી સદીમાં ડિજિટલ જગતનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સટોર્શન, સાયબર બુલિંગ સહિત ફાઈનાન્શિયલ ફ્રોડ જેવા સાઈબર ક્રાઈમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે.

તા. 01 જાન્યુઆરીથી લઈ 31 મે સુધી ઓનલાઇન નાણાકિય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ રૂ. 17.30 લાખ જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસે સરાહનિય કામગીરી કરી છે. 

સાઈબર ક્રાઈમમાં સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી એકાએક જ ગુમાવી ન બેસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગ સાથે સાઈબર ક્રાઈમના બનાવો વધી રહ્યાં હોવાથી નાણાકિય છેતરપિંડીથી બચવા માટે રોકાણ માટેની અજાણી લિંન્ક પર ક્લિક ન કરવું જોઈએ તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી છે. તેમણે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા અને સાઈબર ક્રાઈમનો ભોગ બને તો ઈણાજ ખાતે સાઈબર ક્રાઈમની કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરી હતી. ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું, સોશિયલ મીડિયા કે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતોમાં લલચાવું નહીં, બનાવટી વસ્તુઓની ડિલિવરીથી બચવું તેમજ અજાણ્યા લોકો સાથે બેંકની વિગતો, પાસવર્ડ, કાર્ડની માહિતી, સીવીવી, ઓટીપી કે પીન નંબર જેવી અગત્યની માહિતી શેર ન કરવી. ઓનલાઇન શોપિંગ સમયે ક્રેડીટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યા પછી કાર્ડની વિગતો ડિલિટ કરવી તેમ ઓનલાઈન નાણાકિય લેવડદેવડ સમયે તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટીકેશન એક્ટીવેટ રાખવું. થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા ફોન હેક થવાની શક્યતા જોતાં બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. જેથી કોઈપણ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી. શેર બજારમાં પૈસા ડબલ કરવા, શેરબજારની કે અન્ય કોઇ ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપવી તેમજ આવા કોઈપણ શંકાસ્પદ નાણાકિય વ્યવહાર અજાણ્યા ગુ્રપોમાં ન કરવા ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *