રામના નકલી ભક્તો અગ્નિકાંડ મુદ્દે ગાયબ, ભાજપના ભ્રષ્ટાચારના પાપે નિર્દોષો હોમાયા : પોલીસ કમિશનરને આવેદનમાં કહ્યું – આગ લાગ્યાના કલાકોમાં JCB ફેરવીને ક્રાઈમ સીન વિખેરી નાંખ્યો : અગ્નિકાંડના તપાસનીશોએ ૩ કરોડનો જૂગારમાં તોડ કર્યાનો આક્ષેપ તપાસો  : વિપક્ષ નેતા અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અગ્રણીઓ જોડાયા, સીટમાં પ્રમાણિક અધિકારી મુકવા, સત્તાધારી નેતાઓ સામે પગલાં લેવા માંગ 

 રાજકોટ,: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં ભયાનક આગ ભભુકે તેવી જાણી જોઈને બેદરકારી દાખવીને 27થી વધુ નિર્દોષોના અત્યંત કમકમાટીભર્યા મોત નીપજાવવાના ગુનામાં સરકાર અને રાજકોટ સિટની પોલીસની 20 દિવસની તપાસમાં ગુનેગાર ઉચ્ચ અફ્સરો અને ભાજપના નેતાઓને છાવરવામાં આવી રહ્યા છે. તેવા ગંભીર આક્ષેપ સાથે તટસ્થ તપાસની માંગ સાથે આજે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, કાર્યકરો રાજકોટમાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ન્યાય આપો, પીડીતોને ન્યાય આપો, હાય રે ભાજપના ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરાયોહતો અને પોલીસ કમિશનર કચેરીને દરવાજા બંધ કરાતા રાજ્યના વિરોધ પક્ષના નેતા, સાંસદ, ધારાસભ્યો સહિતે રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા.

રેસકોર્સ રીંગરોડ પર પો.કમિ. કચેરી પાસે કાર્યકરો રોષભેર ઉમટી પડતા એસ.ટી. બસો સહિતના વાહનો થંભી ગયા હતા. કાર્યકરો બસ ઉપર ચડીને સૂત્રો પોકાર્યા હતા. પોલીસે કમિશનર કચેરીમાં નેતાઓને અંદર આવતા રોકતા ઉગ્ર રોષ વ્યક્ત થયો હતો. ”ભાજપના ૧૫૬ ધારાસભ્યો, ૨૫ સાંસદો, રાજકોટના ૬૮ કોર્પોરેટરો, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વિજય રૂપાણી, સી.આર. પાટિલ રામના નકલી ભક્તો અગ્નિકાંડના મુદ્દે ગાયબ, ભાજપના ભ્રષ્ટાચારાના કારણે નિર્દોષો અગ્નિકાંડમાં હોમાયા, અમને પીડિતોને સુભાષ ત્રિવેદીવાળી સિટ ન જોઈએ, બાહોશ-પ્રમાણિક અધિકારીની સિટ બનાવો” વગેરે સૂત્રો લખેલા પ્લેકાર્ડ પ્રદશત કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. કાર્યકરોને પોલીસે અટકાવવા પ્રયાસ કરતા, ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતીહૈ તેવા નારા લગાવ્યા હતા. અને બાદમાં પો.કમિ.ને સણસણતું આવેદનપત્ર આપ્યું હતું. 

રાજકોટમાં  વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું અગ્નિકાંડમાં રાજકીય દબાણ હેઠળ પોલીસ મોટામાથાને આ રીતે છાવરશે તો લોકોનો આક્રોશ વધતો જશે, ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ બને છે કારણ કે સરકારમાં બેઠેલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. રાજકોટની ઘટનામાં ગમે તેટલો મોટો માણસ હોય તો પણ છોડવામાં ન આવે તેવી દાખલારૂપ કાર્યવાહી કરો તો જ આવા બનાવોનો સિલસિલો અટકશે. 

સાંસદ ગેનીબેન ઠાકોરે રોષપૂર્વક કહ્યું કે સરકારની કે પોલીસની ગુનેગારોને પકડવાની તાકાત નથી. પરંતુ,બંધારણીય રીતે થતા વિરોધને અટકાવવા પ્રયાસ કરે છે. કોઈ સાચી વાત સાથે વિરોધ કરવા જાય તો ખરાબ વર્તન કરે છે. પોલીસ ભાજપના એજન્ટ તરીકે વર્તી રહી છે. ભાજપની સરકાર તેમના મળતિયાઓને ઉંચા ભાવથી પૈસા ખાઈને કોન્ટ્રાક્ટ આપે છે, જરૂરી પ્રક્રિયા અનુસરાતી નથી. તે કારણે આવા કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવાતા નથી. આ સરકાર પાસે દયાની અપેક્ષા રખાય તેમ નથી, ગુજરાત હાઈકોર્ટે પણ મોટી માછલીઓને પકડવા કહ્યું છે. પરંતુ, નથી પકડાતા કારણ કે ક્યાંકને ક્યાંક તેઓ સંડોવાયા છે. 

આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સેવાદળના લાલજી દેસાઈ, કિસાન નેતા પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્યો, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મનપાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી સહિત અનેક આગેવાનો અને સેંકડો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાય માટે આ પહેલા ત્રિકોણબાગ ખાતે ગત તા.૭થી ૯ ત્રણ દિવસ ઉપવાસ કર્યા હતા અને હવે આગામી તા.૨૫ના રાજકોટ બંધનું એલાન આપ્યું છે. 

સીટ ભીનું સંકેલવા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે મુકેલી 5 માગણીઓ

રાજકોટ : પોલીસ કમિશનરને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું તેમાં હાલની સિટ ભીનુ સંકેલવા માટે હોવાનો આક્ષેપ કરીને પાંચ માગણીઓ મુકવામાં આવી હતી. જે નીચે મૂજબ છે. 

(1) અગ્નિકાંડમાં જવાબદાર સત્તાધારી નેતાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરો. (2) શાસકપક્ષના જે નેતાઓે પૈસા ખાઈને ટીઆરપી ગેમઝોન ચાલવા દીધું તે નેતાઓની યાદી જાહેર કરો, તેમની અપ્રમાણસર મિલ્કતોની પ્રમાણિક એ.સી.બી.અધિકારીઓ મારફત તપાસ કરાવો. (3) ગેમઝોનમાં આગના કલાકોમાં ક્રાઈમ સીન ઉપર JCB ફેરવીને તેને વેરવિખેર કોની સૂચનાથી કર્યો તેની સામે પગલા લો. (4) રાજકોટમાં ચર્ચા છે. તેમ અગ્નિકાંડ તપાસમાં રહેલા ક્યાં અધિકારીએ જૂગારના કેસમાં 3 કરોડનો તોડ કર્યો હતો તેની તપાસ કરો.  (5) રાજકોટમાં અગ્નિકાંડની તપાસ સુધા પાંડે, સુજાતા મજમુદાર, નિર્લિપ્ત રાય જેવા અધિકારીને તપાસ સોંપો. શંકાસ્પદ અધિકારીઓને નહીં. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *