– સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સ્થિત સાથી રૂમ હોટલમાં કાપોદ્રા પોલીસનો છાપો : ભારતીય યુવતીને મુક્ત કરાવી હોટલ સંચાલ, ગ્રાહક હીરા દલાલ પકડાયા
– હીરાદલાલ અગાઉ સરથાણા ખાતે એક સ્પામાં ગયા હતા ત્યારે સંપર્કમાં આવેલો દેવા વ્હોટ્સએપ ઉપર યુવતીઓના ફોટા મોકલી તેમાંથી પસંદ કરેલી યુવતીને રૂ.10 હજાર લઈ મોકલતો હતો : યુવતીને મોન્ટી નામનો વ્યક્તિ ગ્રાહકની ડિમાન્ડ મુજબ હોટલ ઉપર મૂકી જતો હતો
સુરત, : સુરતની કાપોદ્રા પોલીસે સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સ્થિત સાથી રૂમ હોટલમાં રેઈડ કરી વ્હોટ્સએપ ઉપર ફોટા મોકલી યુવતી પસંદ કરી શરીરસુખ માણવા હોટલમાં લઈ જઈ ચાલતા સેક્સ રેકેટને ઝડપી પાડી ભારતીય યુવતીને મુક્ત કરાવી હોટલ સંચાલક અને ગ્રાહક હીરા દલાલને ઝડપી લીધા હતા.પોલીસે રોકડા, બે મોબાઈલ ફોન, કોન્ડોમ વિગેરે મળી કુલ રૂ.66,700 નો મુદ્દામાલ કબજે કરી ગ્રાહકને યુવતીઓના ફોટા મોકલતા અને યુવતીને હોટલ પર મૂકી જતા બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ ડી.બી.પીંજર અને હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે ગતસાંજે કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝાના પહેલા માળે 64/એફ દુકાન નં.112,113 સાથી રૂમ નામની ઓયો હોટલમાં રેઇડ કરી હતી.પોલીસે ત્યાં રૂમ નં,103 માં એક યુવતી અને યુવાન કઢંગી હાલતમાં મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરીને ભારતીય યુવતીને મુક્ત કરાવી હોટલના સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા ( ઉ.વ.45, રહે.હોટલમાં, મૂળ રહે.આઉવા, તા.મારવાડ, જી.પાલી, રાજસ્થાન ) અને ગ્રાહક હીરા દલાલ જીગ્નેશ કનુભાઈ સાંગાણી ( ઉ.વ.38, રહે.ડી/3/401, ક્રિષ્ના ટાઉનશીપ, યમુના ચોક, મોટા વરાછા, સુરત. મૂળ રહે.માહાદેવવાડી, ગોંડલ, રાજકોટ ) ને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.1700, રૂ.65 હજારની મત્તાના બે મોબાઈલ ફોન, બે કોન્ડોમ મળી કુલ રૂ.66,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે ગ્રાહક હીરા દલાલ જીગ્નેશની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અગાઉ તે સરથાણા વિસ્તારમાં એક સ્પામાં ગયો હતો ત્યાં તેની મુલાકાત દેવા સાથે થઇ હતી.દેવાએ તેને શરીર સુખ માણવા યુવતીની જરૂર હોય તો તેના વ્હોટ્સએપ નંબર ઉપર હાય લખી મોકલવા કહ્યું હતું.જીગ્નેશ તેને મેસેજ કરતો ત્યારે દેવા અલગ અલગ છોકરીઓના ફોટા તેને મોકલતો અને જે છોકરી પસંદ આવે તેને વ્હોટ્સએપ ઉપર ફોન કરવા કહેતો હતો.જીગ્નેશે ગત બપોરે દેવાને મેસેજ કરતા તેણે પાંચ છોકરીના ફોટા મોકલ્યા હતા.તેમાંથી એક યુવતી પસંદ આવતા રૂ.10 હજાર નક્કી કરી બાદમાં દેવાએ જીગ્નેશને સાથી રૂમમાં જઈ ત્યાં હાજર વ્યક્તિ સાથે વાત કહ્યું હતું.
આથી જીગ્નેશ ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં હાજર કાલુરામ અને જીગ્નેશે પસંદ કરેલી યુવતીને લઈ આવેલા મોન્ટી પૈકી કાલુરામ સાથે દેવાની વાત કરાવી તેને રૂ.10 હજાર આપતા કાલુરામે તેમાંથી રૂ.1 હજાર પોતાની પાસે રાખ્યા હતા.જયારે મોન્ટીએ યુવતીને રૂ.2500 આપી બાકીના પૈસા પોતાની પાસે રાખ્યા હતા અને ત્યાંથી નીકળી ગયો હતો.કાપોદ્રા પોલીસે આ અંગે ગુનો નોંધી દેવા અને મોન્ટીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.આઠ મહિના અગાઉ શરૂ થયેલી આ હોટલમાં છેલ્લા ચાર મહિનાથી સેક્સ રેકેટ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.