India Elections Discussed In Pakistan: દેશમાં વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) પર સવાલો ઉઠાવતા રહે છે. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાની સંસદમાં વિપક્ષી નેતાએ ઈવીએમ અને ભારતની ચૂંટણી પ્રણાલીના પેટભરીને વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિપક્ષી નેતા શિબલી ફરાઝે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ‘હું દુશ્મન દેશનું ઉદાહરણ નથી આપવા માંગતો, પણ ત્યાં હમણા ચૂંટણી થઈ, 80 કરોડથી વધુ લોકોએ મત આપ્યો. ઈવીએમથી ચૂંટણી કરાવાઈ. આ રીતે ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ અને અમારે પણ એ જ જોઈએ છે.’
પાકિસ્તાનમાં ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ થયા
અહેવાલો અનુસાર, પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાનના રાજકીય પક્ષ તહેરિક-એ-ઈન્સાફના સેનેટર અને વિપક્ષી નેતા શિબલી ફરાઝે પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલી ગરબડ સામે આંગળી ચીંધીને ભારતની ચૂંટણી પ્રક્રિયાના વખાણ કર્યા છે. ફરાઝે સંસદમાં સત્તાધારી પક્ષના નેતાઓને આડે હાથ લેતા કહ્યું હતું કે, ‘હું દુશ્મન દેશનું ઉદાહરણ નથી આપવા માંગતો, પણ ત્યાં હમણા ચૂંટણી થઈ, 80 કરોડથી વધુ લોકોએ મત આપ્યો. હજારો મતદાન કેન્દ્રો બનાવાયા. એક જગ્યાએ એક માણસ માટે પણ મતદાન કેન્દ્ર બનાવ્યું હતુ એ લોકોએ. એક મહિનો ચૂંટણી ચાલી, ઈવીએમથી ચૂંટણી કરાવાઈ. આ રીતે ત્યાં નિષ્પક્ષ ચૂંટણી થઈ અને અમારે પણ એ જ જોઈએ છે.’
પાકિસ્તાની સંસદમાં વિપક્ષી નેતા શિબલી ફરાઝે જણાવ્યું હતું કે, ‘જ્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં ગરબડ થઈ હતી, ત્યારે શું કોઈ અવાજ ઉઠ્યો હતો? આપણે પણ આપણી ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કેમ ન કરાવી શકીએ? વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવા છતાં, ભારતે ચૂંટણીમાં ગરબડના આરોપો વિના તેની વિશાળ ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે.’
શાહબાઝ શરીફે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા
લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. પીએમ મોદીના ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર દુનિયાભરના નેતાઓ અભિનંદન આપી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ‘X’ પર લખ્યું, ‘ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાં એક કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચે વડાપ્રધાનની ચૂંટણીલક્ષી જરૂરિયાતો અનુસાર ચૂંટણીની રચના કરી હતી.’