અમદાવાદ,બુધવાર
રાયપુરમાં સગીરા ખુલ્લી ચોકડીમાં પડદો પાડીને સ્નાન કરતી હતી ત્યારે પડોશમાં ભાડાના મકાનમાં રહેતા વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેના ફોટા પાડયા હતા અને વિડિયો પણ ઉતાર્યો હતો. માતાએ બુમાબુમ કરતાં પિતાએ તેની પાસે જઇને મોબાઇલ ચેક કરતાં તેમાંથી વિડિયો મળી આવ્યો હતો પણ તે ચાલું થયો ન હતો. બીજીતરફ યુવકે તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરતાં ખાડિયા પોલીસે બન્ને પક્ષે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરાના પિતાએ ઠપકો આપતાં ફોન ઉપર વાતો કરતો હોવાનું કહ્યું, યુવકે માર માર્યોનો આક્ષેપ કરતાં ખાડીયા પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધ્યો
રાયપુર વિસ્તારમાં ૪૬ વર્ષની મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦ વાગે તેમની ૧૪ વર્ષની પુત્રી તેમના ઘરે ખુલ્લી ચોકડીમાં પડદો રાખીને સ્નાન કરતી હતી. આ સમયે પડોશમાં ભાડાના મકાનમાં રહેતો યુવક તેના ઘરની અગાસીમાંથી ફોટા પાડીને વિડિયો ઉતારી રહ્યો હતો ફરિયાદી મહિલાની નજર જતાં તેણે ગુસ્સામાં આવીને આવું કેમ કરે છે કહીને પતિને વાત કરી હતી.
જેથી પતિ અને પરિવારના સભ્યો તેના ઘરે જઇને ઠપકો આપવા ગયા હતા તો યુવકે પોતે મોબાઇલ ઉપર વાતો કરતો હોવાની વાત કરી હતી પોતે કોેઇ વિડિયો ઉતાર્યો નથી તેમ કહ્યું હતું ફરિયાદી મહિલાના પતિએ તેનો મોબાઇલ ચેક કરતાં ઘરની ચોકડીના ફોટા અને વિડિયો રિસાઇકબીનમાંથી મળી આવ્યા હતા જો કે વિડિયો ચાલું થતો ન હતો. બીજીતરફ યુવકે પણ પોતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે ખાડિયા પોલીસે સામ સામે બન્ને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.