Image:X

Uphaar Tragedy:આખી દુનિયામાં દરરોજ અને દરેક ક્ષણે કોઈને કોઈ ઘટનાઓ બનતી રહે છે, પરંતુ ઘણી એવી ઘટનાઓ છે જે ઈતિહાસના પાનામાં નોંધાઈ જાય છે, જેને ક્યારેય ભૂલી શકાતી નથી. એમ કહી શકાય કે, દરેક દિવસ પાછળ તેનો એક ઇતિહાસ છુપાયેલો છે. 13 જૂનનો ઈતિહાસ પણ એવો જ છે.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં 120 ભારતીય સૈનિકોએ રાજસ્થાનના લોંગેવાલામાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. ભારતીય સૈનિકોની આ શૌર્યગાથા પર આધારિત ફિલ્મ ‘બોર્ડર’ 13 જૂન 1997ના રોજ રિલીઝ થઈ હતી. 

આ ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ અને અક્ષય ખન્ના જેવા કલાકારો હતા. આ ફિલ્મ દેશભરમાં લગભગ 290 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી. આ પૈકી દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્કમાં ઉપહાર સિનેમામાં પણ આ ફિલ્મ રિલીઝ થઇ હતી. સાંજનો શો હતો એટલે સિનેમા હોલ ભરેલો હતો. ફિલ્મ પૂરી થવાની હતી પરંતુ લગભગ પોણા પાંચ વાગે સિનેમા હોલના ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવેલા ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી.

કોઇ કંઇ સમજે તે પહેલા જ આગે સમગ્ર હોલને લપેટમાં લઇ લીધો હતો. કેટલાક બળીને મૃત્યુ પામ્યા અને કેટલાક ગૂંગળામણથી મૃત્યુ પામ્યા. આ અકસ્માતમાં 59 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આટલુ જ નહીં હોલના પાર્કિંગમાં રાખવામાં આવેલી કાર પણ બળીને રાખ થઈ ગઈ હતી.

તે જ દિવસે સવારે 7 વાગ્યે હોલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બપોર સુધીમાં ટ્રાન્સફોર્મર રીપેર કરીને ફરી વીજ પુરવઠો ચાલુ થયો હતો. જોકે, સમારકામ બાદ પણ ટ્રાન્સફોર્મરમાં સ્પાર્કિંગ અને ઓઈલ લીકેજ થઈ રહ્યું હતું. હોલ મેનેજમેન્ટે આ તરફ ધ્યાન ન આપ્યું અને આ બેદરકારીએ 59 લોકોના જીવ લીધા હતા. 13 જૂનની આ એવી ઘટના છે જેને ભૂલવી મુશ્કેલ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *