અમદાવાદ,રવિવાર
શહેરના માધુપુરા માર્કેટમાં સોપારીનો વ્યવસાય કરતા વેપારીએ માધુપુરા
પોલીસ મથકે હર્ષા એન્જીનીયરીંગના ડાયરેક્ટર પીલક શાહ સહિત ત્રણ લોકો સામે રૂપિયા સાડા
છ કરોડ રૂપિયાની સોપારી લઇને નાણાં પરત નહી કર્યાની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ વેપારીને
મિલકત વેચીને પણ નાણાં ચુકવવાનું કહીને દુકાનોના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો પણ
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના શાહીબાગમાં આવેલા ઇલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ જૈન
માધુપુરા માર્કેટમાં સોપારીનો વ્યવસાય કરે છે. તે પાલડી શાંતિવન શૈત્રુજ્ય સોસાયટીમાં
રહેતા ચીતરાંગ શાહ અને કૃપાલી શાહ સાથે છેલ્લાં
કેટલાંક વર્ષોથી ધંધો કરતા હતા. જેમાં તે સોપારી ખરીદીને પેમેન્ટ કરી આપતા હતા. પરંતુ, પાંચ કરોડ રૂપિયા
જેટલી રકમ બાકી હોવાથી મનીષ જૈને તેમને ડિસેમ્બપ
૨૦૨૨થી માલ સપ્લાય કરવાનું બંધ કર્યું હતું.
જો કે આ સમયે હર્ષા એન્જીનીયરીંગના ડાયરેક્ટર પિલક શાહે (રહે. માણેકબાગ સોસાયટી, આંબાવાડી) દરમિયાનગીરી
કરી હતી. તેમણે મનીષ જૈનને કહ્યું હતું કે
હું હર્ષા એન્જીયનીરીંગનો ડાયરેક્ટર છુ. તે મારી લીમીટેડ કંપની છે. મારી કંપનીએ
આઇપીઓ પણ બહાર પાડયો છે. તમે ચીતરાંગ અને કૃપાલી શાહને માલ આપો. તેમના પેમેન્ટની જવાબદારી
હું લઉ છું. જેથી વિશ્વાસ રાખીને મનીષ જૈને ફરીથી તેમની સાથે વ્યવસાય કર્યો હતો. આ
દરમિયાન તેમણે અલગ અલગ સમયે સોપારી સપ્લાય કરી હતી. જો કે ૬.૬૮ કરોડ જેટલી રકમ ચુકવી
નહોતી. આ માટે તેમણે નાણાંની અવારનવાર માંગણી કરી હતી. પરંતુ, બંને જણાએ માત્ર ખાતરી
આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગોતામાં તેમણે
એક સ્કીમમાં દુકાનો ખરીદી છે. જેના દસ્તાવેજો પણ મનીષ જૈનને બતાવ્યા હતા. આ દસ્તાવેજ
પર લોન લઇને તે નાણાં ચુકતે કરી આપશે. પરંતુ,
આ અંગે તપાસ કરતા મનીષ જૈનને જાણવા મળ્યું હતું કે આ દુકાનો ચીતરાંગ શાહના નામે
નહી પરંતુ, અમિત પટેલના
નામે હતી. જેથી આ અંગે તેમણે માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી
તેમજ બનાવટી દસ્તાવેજ બનાવવાનોે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.