મોલ, હોટલ, શોરૂમ, ગેમઝોન, જિમનાં સીલ નહીં ખોલાય : ફાયર N.O.C. ફરજિયાત હોવું જોઈએ, : રિન્યુ કરાવવા 15 દિવસનો સમયઃ BUP માટે 60 દિવસમાં પ્લાન મુકવા પડશે
રાજકોટ, : રાજકોટમાં મહાપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. અને બી.યુ.સર્ટિફિકેટ ન હોય તથા આ બન્ને હોય પણ પ્લાન ઉપરાંતનું અનધિકૃત બાંધકામ કર્યું હોય તેવી વગદાર-ધનાઢ્યોની સહિતની 600 મિલ્કતોને સીલ મારી દેતા ઉઠેલા વિરોધના પગલે આજે મહાપાલિકાએ માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાના સીલ સોગંદનામુ લઈને ખોલવાનો નિર્ણય લીધો છે જેનો આવતીકાલથી જ અમલ થશે. આવતીકાલથી વેકેશન પૂરૂં થઈને સ્કૂલો ખુલી રહી હોય આ નિર્ણય લેવાયો છે.
આ અંગે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું કે (1) સ્કૂલ,કોલેજ, ટયુશન ક્લાસ, પ્રિ-સ્કૂલ તથા હોસ્પિટલો કે જેમની પાસે માન્ય ફાયર એન.ઓ.સી. છે તેઓએ બી.યુ. અથવા અનધિકૃત બાંધકામ નિયમબધ્ધ કર્યું છે તેવું પ્રમાણપત્ર રજૂ કરશે તેવું સોગંદનામુ લઈને તે સંસ્થાના સીલ ખોલી અપાશે. (2) ફાયર એન.ઓ.સી.ની મુદત પૂરી થઈ હોય પણ ફાયર સેફ્ટીના સાધનો વસાવેલા હોય તેવી શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલો પાસે 15 દિવસમાં ફાયર એન.ઓ.સી.રિન્યુ કરવાની શરતે સીલ ખોલાશે. જો પંદર દિવસમાં તે ફાયર એન.ઓ.સી. રજૂ નહીં કરે તો આ મિલ્કતોને તુરંત જ સીલ કરવામાં આવશે. (3) શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલોએ સીલ ખુલ્યા બાદ મહત્તમ 60 દિવસની અંદર બી.યુ.પી.મેળવવા અથવા ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ કરાવવા બિલ્ડીંગ પ્લાન,દસ્તાવેજો સાથે અરજી કરેલી હોવી ફરજીયાત છે. માત્ર સાદી અરજી ચાલશે નહીં. (4) શૈક્ષણિક એકમો કે ક્લીનીક કે જેઓને ફાયર એન.ઓ.સી.નિયમોનુસાર ફરજીયાત નથી તેમણે અનધિકૃત બાંધકામ કર્યું હોય તો ઈમ્પેક્ટ ફી હેઠળ તે મંજુર કરાવેલું હોવુ જોઈએ. જો તે બાંધકામ નિયમબધ્ધ થઈ શકે તેવું ન હોય તો તેનું ડિમોલીશન કરવાનું રહેશે. (5) શહેરની પાંચસો જેટલી પ્રિ સ્કૂલો કે જેઓને નવા નિયમ મૂજબ બી.યુ.પી.મેળવવાનું છે તેઓ પાસે પણ સોગંદનામુ લઈને સીલ ખોલાશે. (6) અન્ય એકમો જેમાં મોલ, શોપીંગ કોમ્પલેક્સ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, કોમ્યુનિટી હોલ, રેસ્ટોરાં, હોટલ, મલ્ટીપ્લેક્સ સિનેગૃહો, જિમ, વગેરે સ્થળોને ઉપરોક્ત રાહત મળશે નહીં અને તેમની પાસે ફાયર એન.ઓ.સી. ઉપરાંત બી.યુ.સર્ટિ. હશે તો અને ત્યારે જ સીલ ખોલવામાં આવશે.
ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર સીલ થયેલી મિલ્કતોમાં અંદાજ મૂજબ 30 ટકા જેટલી મિલ્કતો પાસે ફાયર એન.ઓ.સી. ન્હોતી. આવી સ્કૂલ,હોસ્પિટલ સહિતની કોઈ પણ મિલ્કતોના સીલ ખોલાશે નહીં. ફાયર એન.ઓ.સી. મેળવ્યા બાદ જ સીલ ખોલી શકાશે. કમિશનરે ઉમેર્યું કે આવતીકાલથી સીલીંગ ઝૂંબેશ પરત ખેંચી લેવામાં આવશે પરંતુ, ફાયર એન.ઓ.સી. અને બી.યુ.પી. વગરની તથા અનધિકૃત બાંધકામો હોય તેવા મિલ્કતોને સીલ કરવાની રોજિંદી કાર્યવાહી ટી.પી.વિભાગ અને ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત રીતે જારી રાખવા આદેશ કરાયા છે.