સુરત
મહીલાએ સહઆરોપી સાથે મળીને કલેકટર તરીકે ઓળખ આપી સોનાના
દાગીના ખરીદી પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કરાવી ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો
કલેકટર
તરીકે ખોટી ઓળખ આપીને 12.38 લાખની સોનાની દાગીના ખરીદી જ્વેલર્સ સાથે ઠગાઈ કરનાર આરોપી મહીલાએ કરેલી
જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ દેવેન્દ્ર એસ.જોશીએ આરોપીનો ગુનાઈત ઈતિહાસ
ધ્યાને લઈને નકારી કાઢી છે.
મૂળ
તાપી જિલ્લાના વ્યારા તાલુકાની વતની 30 વર્ષીય આરોપી હેતલબેન સંજયભાઈ પટેલ (રે.પ્રમુખ સ્વામી સોસાયટી,મુસારોડ તા.વ્યારા) તથા સહ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સેમરાજ પટેલે
એકબીજાના મેળાપિપણામાં તા.31-3-2024ના રોજ માનદરવાજા સ્થિત ચામુંડા જ્વેલર્સની દુકાનમાં દાગીના ખરીદવા ગયા
હતા.આરોપી હેતલબેન પટેલે પોતે ગાંધીનગર
નાયબ કલેકટર તરીકે ઓળખ આપીને ફરિયાદીની દુકાનમાંથી 12.38
લાખના દાગીના ખરીદી બે ચેક આપ્યા હતા.જે
ચેક બાઉન્સ થતાં ફરિયાદી જ્વેલર્સને દાગીના કે પેમેન્ટ નહીં ચુકવી આરોપીઓએ ગુનાઈત
ઠગાઈનો કારસો રચ્યો હતો.જેથી સલાબતપુરા પોલીસે જેલભેગા કરેલા આરોપી હેતલબેન પટેલે
જામીન માંગ્યા હતા.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપી સ્ત્રી
હોઈ વિલંબિત ટ્રાયલના કારણે કેસ ચાલતા વાર લાગે તેમ હોઈ પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ
થવાની સંભાવના છે.સહઆરોપી જીતેન્દ્ર પટેલને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હોઈ
સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી
કિશોર ખૈરનારે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી મુખ્ય
આરોપી છે.ફરિયાદી જ્વેલર્સને કલેકટર તરીકે ખોટી ઓળખ આપીને 12.38 લાખના દાગીના ખરીદીના નામે ઠગાઈ કરી છે.જે દાગીના ભાગળની આશાપુરા
જ્વેલર્સના નામે 9.66માં રોકડેથી વેચીને સહઆરોપી જીતેન્દ્રની મદદથી કાર મેળામાંથી સેકન્ડ હેન્ડ બલેનો કાર ખરીદી
હતી.આરોપી વિરુધ્ધ વ્યારા,નવસારી ,સલાબતપુરા
તથા સારોલી પોલીસ મથકમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને 6 જેટલા ઠગાઈના ગુના આચર્યા હોઈ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.આરોપીને જામીન
આપવાથી ફરી આવા ગુના આચરે તેવી સંભાવના છે.