અમદાવાદ,શુક્રવાર
કાંકરિયા ખાતે રહેતા યુવકને બોલાવીને તું કેમ મારી ગર્લફ્રેન્ડને ઓલા પાર્ટી એપ્લીકેશનમાં ફોન અને મેસેજ કરે છે કહીને ત્રણ શખ્સોએ યુવકને ઢોર માર મારીને તેના ઉપર લોખંડની પાઇપથી હુમલો કરીને લોહી લુહાણ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક રાત્રીના સમયે એપ્લીકેશનમાં ચેટીંગ કરતો હતો તે સમયે ફોન કરીને ગાળો બોલીને યુવકને રાયપુર દરવાજા પાસે બોલાવ્યો હતો. આ બનાવ અંગે ખાડીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણેય શખ્સોએ ઢોર માર મારી ઘાતક હુમલો કરતા યુવકને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડાયો, ખાડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કાંકરિયા પાસે રહેતા યુવકે ખાડીયા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૬ના રોજ રાત્રીના સમયે ફરિયાદી યુવક ઓલા પાર્ટી એપ્લીકેશનમાં ચેટીંગ કરતો હતો. ત્યારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને પોતે સંજુ હોવાનું જણાવી ગાળો બોલવા લાગ્યો હતો તેમજ હિંમત હોય તો રાયપુર દરવાજા પાસે આવ તેમ કહેતા યુવક બાઇક લઇને મોડી રાતે રાયપુર દરવાજા પાસે ગયો હતો.
ઉપરોક્ત ત્રણેય શખ્સો હાજર હતા અને સંજુએ યુવકને તું કેમ મારી ગર્લફ્રેન્ડને ફોન અને મેસેજ કરે છે કહીને ઝઘડો કર્યો હતો અને ત્રણેય શખ્સોએ ભેગા મળીને ઢોર માર મારીને લોખંડની પાઇપથી માર માર્યો હતો. આ દરમ્યાન બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા તેને છોડાવ્યો હતો અને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ ઘટના અંગે ખાડિયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.