શાપર-વેરાવળના 3 GRD જવાનોએ  જેતપુરથી બોલાવી કારખાનેદારને કારમાં ભીચરી પાસે લઈ જઈ યુવતીએ ફસાવ્યો, GRDના ત્રણ જવાનોએ રેડ કરી રૂા. 2.80 લાખ આંગડિયા મારફત મગાવી તોડ કર્યો 

જેતપુર, : રાજકોટનાં પ્રધ્યુમન પાર્ક પાછળ ભીચરી ગામ તરફના રસ્તે જેતપુરના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી શાપર વેરાવળના જીઆરડીના ત્રણ જવાનોએ સાથે મળી પોલીસ તરીકેની ઓળખ આપી રૂા.૨.૮૦ લાખ પડાવ્યાના બનાવનો મામલો સામે આવ્યો છે. આ અંગે કુવાડવા પોલીસે  ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, જેતપુરમાં કારખાનું ધરાવતો એક યુવાન સોશ્યલ મીડિયા મારફતે એક યુવતીના પરિચયમાં આવ્યો હતો અને આ યુવતીએ મીઠીમીઠી વાતો કરી તેને  મળવા બોલાવ્યા બાદ કારખાનેદાર કાર લઈને જેતપુરથી રાજકોટ હાઈ-વે ઉપર મળવા આવ્યો હતો. આ યુવતી અને કારખાનેદાર બન્ને કારમાં બેસીને પ્રધ્યુમન પાર્ક નજીક કુવાડવાના ભીચરી ગામ તરફ જવાના રસ્તે એકાંતમાં બેઠા હતા ત્યારે ચાર શખ્સો ત્યાં ધસી આવ્યા હતાં. જેમાંથી ત્રણ શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી કારખાનેદારને ધમકાવ્યો હતો.અને કારખાનેદાર સાથે રહેલી યુવતી તેની બહેન છે. તમે મારી બહેન સાથે શું કરો છો ? તેવી ધમકી આપી હતી.

પોલીસ તરીકેની ઓળખ આપનાર ત્રણ શખ્સોએ પોલીસનો રૂઆબ છાંટી કારખાનેદારને દબાવ્યો હતો.અને પાંચ લાખ રૂપિયા માંગ્યા હતાં. જો કે રકઝકના અંતે રૂા.૨.૮૦માં સોદો નક્કી થયો હતો. અને આંગડીયા મારફતે આ રકમ કારખાનેદારે જેતપુરથી મંગાવ્યા બાદ આ ટોળકીને આપી હતી. ભોગ બનેલા કારખાનેદારે આ બાબતે પોતાના એક નીકટના રાજકીય આગેવાનને જાણ કરતાં તેમણે આ બાબતે પોલીસ ફરિયાદ કરવા ભલામણ કરી હતી.

સમગ્ર મામલો કુવાડવા પોલીસ મથકની વિસ્તારમાં બન્યો હોય આ મામલે રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલીક તપાસ કરી આરોપીઓની ઓળખ મેળવવા અને જો પોલીસ હોય તો પણ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હોય કુવાડવા પોલીસે કારખાનેદારે આપેલી માહિતીના આધારે અને મોબાઈલ નંબરના આધારે તપાસ કરતાં આ હનીટ્રેપમાં શાપર વેરાવળના ત્રણ જીઆરડી જેમાં એક ત્વિક, બીજો દિપક અને અન્ય એકની સંડોવણી ખુલતાં ત્રણેયને સકંજામાં લીધા હતાં. પુછપરછમાં યુવતી અને સુત્રધારનું નામ પણ ખુલ્યું હતું. હવે આ મામલે ગુનો નોંધાશે. આ ટોળકીએ અગાઉ પણ આ જ મોડેસ ઓપરેન્ડીથી અન્ય કોઈને પણ ફસાવ્યા છે કેમ તે બાબતે કુવાડવા પોલીસ તપાસ કરી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *