મહેશ્વરી સોસાયટીમાં બનેલી ઘટના બંને પક્ષના કુલ ત્રણ ઘવાયા, ભક્તિનગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ
રાજકોટ, : મહેશ્વરી સોસાયટી પાસે ગઇકાલે બે પક્ષ વચ્ચે મારામારી થતાં ભક્તિનગર પોલીસમાં સામસામી ફરિયાદો નોંધાવાઇ છે. જેની સગાઇ થઇ હતી તે યુવતીના ફોટા ડીલીટ કરવા બાબતે બંને પક્ષો વચ્ચે મારામારી થતા બંને પક્ષના કુલ ત્રણને ઇજા થઇ હતી.
મહેશ્વરી સોસાયટી શેરી નં. 2માં રહેતા અરબાઝ રફીકભાઈ ફૂંફાર (ઉ.વ. 24)એ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે મજૂરી કામ કરે છે. ત્રણ ભાઈમાં તે સૌથી મોટો છે. બીજા નંબરના ભાઈ તેજીમની એક વર્ષ પહેલા સગાઇ થઇ હતી. ગઇકાલે રાત્રે એકાદ વાગ્યે તે ઘરે હાજર હતો ત્યારે તેના ભાઈ તેજીમે સસરા ઇમરાનભાઈને ઘરે બોલાવતા આવ્યા હતાં. તેજીમને તેની મગેતરના ફોટા બીજા કોઇ ગુ્રપમાં સગામાં શેર થયા હોવાથી ગમ્યું ન હતું. જેથી તે ફોટા ડીલીટ કરાવવા માટે સસરા ઇમરાનભાઇને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. ઇમરાનભાઈ હુ ફોટા ડીલીટ કરાવી નાખીશ તેમ કહી જતા રહ્યા હતા.
થોડીવાર બાદ ઇમરાનભાઈના કૌટુંબીકભાઈ આદીલે તેજીમને ફોન કરી ગાળો ભાંડી હતી, તેના પિતાને પણ ગાળો ભાંડી હતી. તેણે વાત કરતાં તેને પણ ગાળો ભાંડી હતી. સાથોસાથ જિલ્લા ગાર્ડને આવી જવાનું કહ્યું હતું. થોડીવાર પછી આદીલ તેના મિત્ર હુસેન ભાણો, સલમાન ઉર્ફે ભોદીયો, સુફીયાન સાથે બાઇક પર ધસી આવ્યો હતો.
આવીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. તેણે અને ભાઈ તેજીમે ગાળાગાળી કરવાની ના પાડતા આદીલે ધોકા વડે હુમલો કર્યો હતો. તેનો ભાઈ ફરદીન તેને છોડાવવા વચ્ચે પડતાં તેને છરી મારવા જતા તે ભાગી ગયો હતો અને તેને ગળામાં સામાન્ય છરકો થઇ ગયો હતો. તે પડી ગયા બાદ સલમાને તેને પડખામાં અને માથાના ભાગે છરી મારી હતી. એટલું જ નહીં ધોકા વડે પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ ભાગી જતાં તેને અને તેના ભાઈ ફરદીનને ૧૦૮માં સિવિલમાં ખસેડાયા હતાં. ચારેય આરોપીઓ સામે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
સામા પક્ષે આદીલ રહીમભાઇ શેખ (ઉ.વ. 27, રહે. નવી ઘાંચીવાડ શેરી નં. 4/6 કોર્નર)એ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓ અરબાઝ તેના ભાઈ ફરદીન અને તેજીમે ભેગા મળી ફોટા ડીલીટ કરવા બાબતે ઘરે બોલાવ્યા બાદ બેફામ ગાળો ભાંડી, માથામાં લોખંડની પટ્ટી વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં આદીલને ઇજા થતાં તેણે પણ સિવિલમાં સારવાર લીધી હતી. ભક્તિનગર પોલીસે તેની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.