જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન દેહદાન કરવામાં આવેલા ૨૯ મૃતકોના અંગોના આજે જામનગરના આદર્શ સ્મશામાં શાસ્ત્રોત વિધિની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ, જામનગરની આર્ય સમાજ સંસ્થા, શ્રી સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના સંયુક્ત ઉપક્રમે સામુહિક અગ્નિસંસ્કાર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ માં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ ૨૯ જેટલા મૃતદેહો નું દેહદાન કરવામાં આવ્યું હતું, અને તમામ મૃતદેહ ને જામનગરના એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગમાં રાખવામાં આવ્યા હતા, અને મેડિકલ કોલેજના તબીબી અભ્યાસ માટે આ તમામ અવયવોનો ઉપયોગ કરાયો હતો.

ત્યારબાદ આજે સવારે એમ.પી.શાહ મેડિકલ કોલેજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી દાનમાં આવેલા શરીરના અંગોના અંતિમ સંસ્કાર યોજવાની કાર્યવાહી રાખવામાં આવી હતી. આજે સવારે ૯-૦૦ વાગ્યે આદર્શ સ્મશાનમાં અગ્નિ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના ડો. મિતેષ પટેલ, તથા અન્ય તબીબી સ્ટાફ હાજર રહ્યો હતો.

તે જ રીતે જામનગરની આર્યસમાજ સંસ્થા ના ટ્રસ્ટી ઉપરાંત  આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિના શ્રી દર્શનભાઈ ઠક્કર તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *